PM મોદીએ રાત્રે ‘કાશી દર્શન’ કરી કામની સમીક્ષા કરી

વારાણસીઃ વડા પ્રધાન મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. એ વખતે સંતો સહિત અનેક લોકોની હાજરીમાં કોરિડોર લોકાર્પિત થયો હતો. વડા પ્રધાને બાબા વિશ્વનાથનું વિધિવત્ પૂજન-અર્ચન કર્યા પછી આ ધામ બનાવનારા મજૂરોની વચ્ચે પહોંચીને તેમનાં પર ફૂલોની વર્ષા કરીને તેમની સાથે સેલ્ફી લીધી હતી. તેઓ અડધી રાત્રે UPના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

વડા પ્રધાન મોદી રાત્રે એક કલાકે બનારસ સ્ટેશન પહોંચ્યા હતા. એક ફોટોમાં તેમની પાછળ ઘડિયાળ જોઈ શકાય છે, આ ઘડિયાળમાં રાત્રે 1.13 કલાક થયા હતા. બનારસ રેલવે સ્ટેશનની બહાર નીકળીને વડા પ્રધાને સ્ટોલ પર હાજર દુકાનદારો સાથે હાથ મિલાવ્યા હતા.

આ પહેલાં તેઓ કાશીની ગંગા આરતીમાં સામેલ થયા હતા. તેમણે મુખ્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આના ફોટો ટ્વિટર પર શેર કર્યા હતા. તેમણે રેલવે સ્ટેશનના ફોટો શેર કરતાં લખ્યું હતું કે હવે પછીનો પડાવ … બનારસ સ્ટેશન. અમે રેલવેનો સંપર્ક વધારવાની સાથે-સાથે સ્વચ્છ, આધુનિક અને યાત્રી અનુકૂળ રેલવે સ્ટેશનોને સુનિશ્ચિત કરવાનાં કામ કરી રહ્યા છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમારા પ્રયાસ છે કે આ પવિત્ર શહેર માટે સર્વોત્તમ સંભવ માળખાકીય સુવિધા તૈયાર કરવામાં આવે.