કાઈવઃ યૂક્રેન પર લશ્કરી આક્રમણ કરવા માટે રશિયાએ બેલારુસની ધરતીનો ઉપયોગ કર્યો હતો એ યાદ રાખીને યૂક્રેને શાંતિ-મંત્રણા કરવાની રશિયાની ઓફરને ઠુકરાવી દીધી છે. યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ બેલારુસમાં વાટાઘાટ કરવાની ના પાડી દીધી છે. જોકે રશિયાએ કહ્યું છે કે એનું પ્રતિનિધિમંડળ બેલારુસમાં પહોંચી ગયું છે.
ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ. યુદ્ધનો અંત આવે એવું જ અમે ઈચ્છીએ છીએ. હું અન્ય સ્થળોએ વાટાઘાટ કરવા તૈયાર છું, જેમ કે વોર્સો, બ્રાટિસ્લાવા, બુડાપેસ્ટ, ઈસ્તંબુલ, બાકુમાંથી ગમે ત્યાં. ટૂંકમાં એવું કોઈ શહેર, જ્યાંથી અમારી પર મિસાઈલ છોડવામાં આવી ન હોય. વાટાઘાટનો આ જ એકમાત્ર પ્રામાણિક માર્ગ બની શકે અને યુદ્ધનો અંત લાવી શકે.