રશિયાનો યુક્રેનના મેલિટોપોલ પર કબજાનો દાવોઃ યુદ્ધ જારી

મોસ્કોઃ રશિયા અને યુક્રેનમાં યુદ્ધનો ત્રીજો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ઘૂંટણિયે નહીં પડવાની વાત કરતાં અડગ વલણ દર્શાવવાની વાત કરી હતી. બીજી બાજુ રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણ-પૂર્વના શહેર મેલટોપોલ પર કબજો કરી લીધો છે, એમ રશિયાની ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું.

વિશ્વ લાંબા યુદ્ધ માટે તૈયાર રહે. યુક્રેનના આરોગ્યપ્રધાને દાવો કર્યો હતો કે રશિયાના હુમલામાં 198 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. આરોગ્યપ્રધાન વિક્ટર લ્યાશકોએ જણાવ્યું હતું કે આ મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. આ પહેલાં યુક્રેને કહ્યું હતું કે એણે રશિયાના 3500 સૈનિકોને માર્યા છે અને 200થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. કિવમાં એક મિલિટરી યુનિટ પર રશિયા તરફથી હુમલો કરવામાં આવ્યો છે. બીજી બાજુ, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લેવાના પ્રયાસ જારી છે. એક વિડિયોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ લોકોને કહ્યું હતું કે યુક્રેની સેના ઘૂંટણિયે પડવાની વાતો માત્ર અફવા છે. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડશે. તેઓ મજબૂતીથી રશિયાનો મુકાબલો કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને યુક્રેન પર હુમલાની નિંદા કરી છે અને સુરક્ષા પરિષદમાં મતદાન કરવાથી દૂર રહ્યા હતા. યુએનએસસી મીટિંગમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટી. એસ. તિરુમતિએ કહ્યું હતું કે યુક્રેનમાં જે થયું એનાથી ભારત બહુ પરેશાન છે.

યુક્રેનના પાટનગરના મેયરે કિવ શહેરમાં રશિયાના સૈનિકોના દબાણને કારણે કરફ્યુની જાહેરાત કરી હતી.