રાહુલ ગાંધીએ સત્ય માટે લડતા રહેવાનું આહવાન કર્યું  

દ્વારકાઃ કોંગ્રેસ આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષે દ્વારકામાં ચિંતન શિબિર યોજી હતી. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં.

રાહુલ ગાંધીનું કોંગ્રેસઅધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓએ સ્વાગત કર્યું હતું.  એ પછી તેઓ દ્વારા ચિંતન શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે. તેમણે આ ચિંતન શિબિરમાં પક્ષના કાર્યકરોને દ્વારકામાં શ્રીકૃષ્ણને યાદ કરી પક્ષ છોડનારાને કૌરવ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર છે.

તેમણે ગાંધીજી વિશે કહ્યું હતું કે  ગાંધીજી અને બાકીના નેતાઓમાં મોટું અંતર હતું. ગુજરાત પાસે ગાંધીજીના વિચાર છે. તમારે સચ્ચાઇની લડાઈ લડવી છે કે જૂઠની એ તમારા હાથમાં છે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ભાજપ સરકાર CBI, ED, પોલીસ અને મિડિયાનો પણ દુરુપયોગ કરે છે, પરંતુ કોંગ્રેસીઓએ ડરવાની જરૂર નથી.

તેમણે કોંગ્રેસના કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે હાકલ કરી હતી અને જરાય આત્મવિશ્વાસ ન ગુમાવવા જણાવ્યું હતું. તેમણે લડાઈ ખતમ થયા પહેલાં હાર ન માનવાની શીખ આપી હતી અને કહ્યું હતું કે લોકો વચ્ચે જઇ સત્ય માટે લડો. આ ચિંતન બેઠકમાં રાહુલે એવી પણ ટકોર કરી હતી કે, ભાજપનો કોંગ્રેસનાં જેટલા નેતા જોઈએ તેટલા લઈ જાય, કોંગ્રેસના ACમાં બેસતા નેતાઓને પણ લઈ જાય.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]