UNનું તાકીદનું-સત્ર બોલાવવા માટેના મતદાનમાં ભારત ગેરહાજર

ન્યૂયોર્કઃ રશિયાએ તેના પડોશી યૂક્રેન પર કરેલા લશ્કરી આક્રમણને વખોડી કાઢવા અને ભાવિ પગલાં નક્કી કરવા માટે 193-સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) મહાસમિતિનું તાકીદનું વિશેષ સત્ર બોલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ગઈ કાલે બોલાવવામાં આવેલી બેઠકમાં હાથ ધરાયેલા મતદાન વખતે ગેરહાજર રહેવાનું ભારત સરકારે પસંદ કર્યું હતું. ઠરાવ પસાર કરવા માટે મતદાન હાથ ધરવા 15-સભ્ય દેશોની સુરક્ષા પરિષદે બેઠક બોલાવી હતી. તેમાં મતદાન કરવાનું નક્કી કરાયું હતું. મતદાન વખતે 11 દેશોએ ઠરાવની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે ભારત, ચીન અને યૂએઈ ગેરહાજર રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે યૂક્રેન પરના આક્રમણના મુદ્દે સુરક્ષા પરિષદે છેલ્લે બોલાવેલી બેઠક બાદ યૂક્રેનમાંની પરિસ્થિતિ વધારે વણસી ગઈ છે તે દુઃખની વાત છે.

1950ની સાલથી અત્યાર સુધીમાં યૂએન મહાસમિતિના આવા માત્ર 10 વિશેષ તાકીદના સત્ર જ બોલાવવામાં આવ્યા છે. વિશેષ સત્ર બોલાવવા માટે ઠરાવ પસાર કરવાનું ગઈ કાલે પ્રક્રિયાત્મક રીતે એટલા માટે જરૂરી હતું કે સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યદેશો – અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા એમનો વીટો વાપરી ન શકે. યૂક્રેન પર આક્રમણ અટકાવી દેવાનું રશિયાને જણાવતા યૂએન સુરક્ષા પરિષદે બે દિવસ પહેલાં પસાર કરેલા એક ઠરાવને રશિયાએ તેનો વીટો વાપરીને ફગાવી દીધો હતો.