23 જૂનથી એમિરેટ્સની ભારત-દુબઈ વિમાનસેવા ફરી શરૂ

દુબઈઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેર નબળી પડતાં અને નવા કેસોની સંખ્યા પણ ઘટી જતાં દુબઈની સરકારે ભારતથી આવતાં-જતાં વિમાન પ્રવાસીઓ માટેના નિયંત્રણો હળવા બનાવી દીધા છે. એને પગલે યૂએઈની એરલાઈન એમિરેટ્સે જાહેરાત કરી છે કે તે આવતી 23 જૂનથી ભારત સાથે તેની ફ્લાઈટ્સ ફરી શરૂ કરશે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, સુપ્રીમ કમિટી ઓફ ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન દુબઈ તરફથી જણાવાયું છે કે ભારતમાંથી એવા વિમાન પ્રવાસીઓને દુબઈમાં આવવા દેવામાં આવશે જેમની પાસે કાયદેસર રેસિડન્સ વિઝા હશે અને જેમણે યૂએઈ દ્વારા માન્યતાપ્રાપ્ત કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા હશે. તે ઉપરાંત, એમણે પીસીઆર ટેસ્ટનું કોરોના-નેગેટિવ ટેસ્ટ સર્ટિફિકેટ પણ બતાવવું પડશે, જે ટેસ્ટ તેમણે સફરના મહત્તમ 48 કલાક પૂર્વે લીધી હોવી જોઈએ.

એરલાઈનના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારત, સાઉથ આફ્રિકા, નાઈજિરીયા સાથે વિમાન પ્રવાસ સુરક્ષિત રીતે ફરી શરૂ કરવા દેવાના દુબઈના વહીવટીતંત્રએ જાહેર કરેલા નવા નિયમો અને પગલાંને અમે આવકારીએ છીએ.