ચૂંટણીની તૈયારી? મોદી મળશે જમ્મુ-કશ્મીરના ટોચના નેતાઓને

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 2019ની પાંચ ઓગસ્ટે સરહદીય રાજ્ય જમ્મુ અને કશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કરીને એનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કર્યું હતું – જમ્મુ અને કશ્મીર તથા લદાખ. જમ્મુ-કશ્મીરમાં 2018થી કેન્દ્રનું શાસન છે. હવે સરકાર ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજવા વિચારી રહી છે. આ વર્ષના ડિસેમ્બર અથવા આવતા વર્ષના માર્ચમાં ત્યાં ચૂંટણી યોજાય એવી ધારણા છે. એ માટે વડા પ્રધાન મોદી આવતી 24 જૂને બપોરે એમના સત્તાવાર નિવાસસ્થાને જમ્મુ-કશ્મીરના ટોચના સ્થાનિક નેતાઓ સાથે એક બેઠક યોજવાના છે. ચૂંટણી યોજવા માટેની એક રૂપરેખા તૈયાર કરવા અને તેના વિશે જ ચર્ચા કરવા માટે મોદીએ આ બેઠક બોલાવી હોવાનું મનાય છે. એ બેઠકમાં હાજર રહેવા અનેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનો પણ એમાં સમાવેશ થાય છે. જેમ કે, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, એમના પુત્ર ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, પીડીપી પાર્ટીનાં વડાં મેહબૂબા મુફ્તી. આ ઉપરાંત જમ્મુ-કશ્મીરના ચાર ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનોને પણ હાજર રહેવાનું આમંત્રણ અપાયું છે – તારા ચંદ (કોંગ્રેસ), મુઝફ્ફર હુસેન બેગ (પીપલ્સ કોન્ફરન્સ), નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તા (બંને ભાજપ). સીપીઆઈ (એમ) નેતા મોહમ્મદ યૂસુફ તારિગામી, જમ્મુ-કશ્મીર અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, જમ્મુ-કશ્મીર કોંગ્રેસ પ્રમુખ જી.એ. મીર, ભાજપ નેતા રવીન્દ્ર રૈના, પેન્થર્સ પાર્ટીના નેતા ભીમ સિંહને પણ આમંત્રણ અપાયું છે. બેઠકમાં હાજર રહેવા માગનાર દરેક નેતાએ પોતાનું કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ સર્ટિફિકેટ સાથે રાખવું ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ સચિવ તરફથી ફોન કરીને કશ્મીરી નેતાઓને બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાન ભડક્યું

દરમિયાન, જમ્મુ-કશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની હિલચાલ અને મોદીએ બોલાવેલી બેઠકના સમાચારને પગલે પાકિસ્તાનના નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે કશ્મીરના વિભાજન અને એની જનસંખ્યામાં ફેરફાર કરવાના ભારતના કોઈ પણ પગલાનો પાકિસ્તાન વિરોધ કરશે.