કોરોનાની ત્રીજી લહેર 6-8 સપ્તાહમાં આવવાની સંભાવના: AIIMSના વડા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં જૂન મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જોકે હજી કોરોના કેસો 60,000ની આસપાસ આવી રહ્યા છે. હજી બીજી લહેરથી સંપૂર્ણ છુટકારો થયો નથી, ત્યાં એમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે આગામી છ-8 સપ્તાહમાં કોવિડની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે જેવી આપણે અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે, એવું જ લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નથી કરતા જોવા મળ્યા. પહેલી અને બીજી લહેરની વચ્ચે જે થયું –એનાથી આપણે શીખ નથી મેળવી. ફરીથી ભીડ વધી રહી છે. લોકો ભારે સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે. જો આવું રહ્યું તો રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કેસો વધવામાં થોડોક જ સમય લાગશે. એ પાછું છથી આઠ સપ્તાહની અંદર થઈ શકે છે અથવા એનાથી થોડો વધુ સમય લાગશે.

તેમણે કહ્યું હતું કે એ બધું એ વાત પર નિર્ભર કરે છે કે આપણે કોરોનાના નિયમો અને ભીડને રોકવાને મામલે કેવી રીતે આગળ વધીએ છીએ.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટમાં અંદાજ કરતાં વહેલી ત્રીજી લહેર આવી શકે છે. આ વિશેની માહિતી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ કમિટી દ્વારા આપવામાં આવી છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ઢીલ આપ્યા પછી ઘણી જગ્યાએ ભીડ જોવા મળી. અહેવાલ મુજબ  નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ત્રીજી લહેરની પિકમાં રાજ્યના આઠ લાખ સક્રિય કેસ આવી શકે છે.

દેશમાં ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. આ સર્વેમાં સમગ્ર દુનિયામાંથી 40 એક્સપર્ટ, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો, વાયરોલોજિસ્ટ, અપેડેમિયોલોજિસ્ટ અને પ્રોફેસર પાસેથી માહિતી લેવામાં આવી છે.