અમેરિકામાં 150 દિવસમાં 30 કરોડ રસી લગાવાઈ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઘોષણા કરી હતી કે દેશમાં કાર્યભાર સંભાળ્યા પછી 150 દિવસમાં કોરોના વાઇરસવિરોધી રસીના 30 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા હતા. બાઇડને આનું શ્રેય વૈજ્ઞાનિકો, કંપનીઓ, અમેરિકી લોકો અને તેમની સરકારના પ્રયાસોને આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 65 ટકા વયસ્કાને કમસે કમ એક ડોઝ લાગી ગયો છે, જેનાથી આશા છે કે આ વખતે ગરમીઓની સીઝનમાં સ્થિતિ સામાન્ય રહેશે. વેપારી કામકાજ ફરીથી ખૂલશે અને કંપનીઓ ભરતીઓ કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ગયા વર્ષની તુલનામાં આ વખતે ગરમીની સીઝનમાં સ્થિતિ અલગ હશે. હું પ્રાર્થના કરું છું કે આ વખતે ગરમીની સીઝન ખુશીઓ લઈને આવશે. રોગ નિયંત્રણ કેન્દ્રએ જણાવ્યું હતું કે અમેરિકામાં એક જૂન સુધી 30 કરોડ 50 લાખ ડોઝ અપાઈ ચૂક્યા છે. આશરે 14 કરોડ 16 લાખ લોકો અને અમેરિકાની 42.6 ટકા વસતિને સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.

અમેરિકામાં આશરે બે સપ્તાહ પહેલાં આશરે 20 લાખ લોકોને પ્રતિ દિન રસી લાગી રહી હતી, પણ આ ઝડપમાં હવે ઘટાડો આવ્યો છે, જેને કારણે 70 ટકા વસતિને ચોથી જુલાઈ સુધી કમસે કમ આંશિક રસીકરણ કરવાનું બાઇડનનું લક્ષ્ય સંકટમાં નજરે ચઢી રહ્યું છે. બાઇડન વહીવટી તંત્રનું કહેવું છે કે 70 ટકા રસીકરણનું લક્ષ્ય ભલે પૂરું ન થાય, પણ અમેરિકાનું અર્થતંત્ર પાટે પર ચઢ્યા પછી કોરોનોનો બહુ ઓછી અસર પડશે.