લંડનઃ બ્રિટનમાં બોરીસ જોન્સને વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ એમના અનુગામી કોણ બનશે એ પ્રશ્ને સસ્પેન્સ ચાલુ છે. ભૂતપૂર્વ નાણાં પ્રધાન રિશી સુનિકે વડા પ્રધાન પદ હાંસલ કરવાની રેસમાં ઝૂકાવ્યું છે. એમની હરીફાઈમાં શાસક રૂઢિચુસ્ત પાર્ટીમાંથી બીજા ઘણા ઉમેદવારો ઉતર્યાં છે.
42-વર્ષીય બ્રિટિશ-ભારતીય અને યોર્કશાયરના રિચમોન્ડમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સુનકને એમની પાર્ટીનાં 20 સંસદસભ્યોનો ટેકો છે. નવા વડા પ્રધાનની જાહેરાત પાંચ સપ્ટેમ્બરે કરવામાં આવનાર છે. વડા પ્રધાન પદ માટે ઉમેદવારી નોંધાવવા માટે ઈચ્છુક નેતાઓને સ્થાનિક સમય મુજબ, આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ રેસમાં વ્યાપાર પ્રધાન પેની મોર્ડોન્ટો, નવા નાણાં પ્રધાન નધીમ ઝહાવી અને ટોમ ટૂગેન્ડાટ, એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન, વિદેશ પ્રધાન લિઝ ટ્રુસ, નાઈજિરીયન મૂળના કેમી બેડનોક, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જેરેમી હન્ટ, ટ્રાન્સપોર્ટ પ્રધાન ગ્રાન્ટ શેપ્સ, રેહમાન ચિશ્તી અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ. ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે તથા અન્યો સામેલ થયાં છે. આ પદ હાંસલ કરવા માટે કોઈ પણ ઉમેદવાર માટે 20 સંસદસભ્યોનો ટેકો હોવો આવશ્યક છે. રિશી સુનકે એ મેળવી લીધો છે.