PM ટ્રુડોએ UAE આગળ ભારતનો રાગ આલાપ્યો

ઓટાવાઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના મિત્ર સંયુક્ત આરબ અમિરાત (UAE) સાથે ભારતની ફરિયાદ કરી છે. તેમણે ટ્વીટર પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિનજાયદની સાથે ટેલિફોનિક વાતચીતમાં ભારતમાં કાયદાનું શાસન જાળવી રાખવા અને સન્માનના મહત્ત્વ પર ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે આજે ફોનમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદની સાથે ઇઝરાયલની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને નાગરિકોના જીવનની સુરક્ષા પર વિચારવિમર્શ કર્યો હતો.આ પહેલાં યુકેના PM ઋષિ સુનકે કેનેડિયન વડા પ્રધાન ટ્રુડો સાથે ભારત-કેનેડા વિવાદને ઓછો કરવા કરવા માટે અરજ કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના એક નિવેદન અનુસાર સુનકે શક્રવારે સાંજે ટ્રુડો સાથે વાતચીત કરી હતી. બ્રિટને ટ્રુડોને કહ્યું હતું કે બધા દેશોના રાજકીય સંબંધો પર વિયેના કન્વેશનના સિદ્ધાંતો સહિત સંપ્રભુતા અને કાયદાકીય શાસનનું સન્માન કરવું જોઈએ.

ભારત અને કેનેડાની વચ્ચે રાજકીય સંબંધો ત્યારથી બગડ્યા છે, જ્યારથી કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ભારત પર આરોપ લગાવી દીધો હતો. ત્યાર પછી એક વરિષ્ઠ ભારતીય અધિકારીને કાઢી મૂક્યા હતા. ભારત તરફ વળતા જવાબમાં કેનેડાના સિનિયર ડિપ્લોમેટને કાઢી મૂક્યા હતા. ત્યાર બાદ ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટને પરત બોલાવવા માટે કહ્યું હતું. ભારતે આકરા શબ્દોમાં કહ્યું હતું કે નિયત સમય પછી આ ડિપ્લોમેટ અહીં રહેશે તો તેમની બધી જ સુવિધા ખતમ કરવામાં આવશે.