ઈઝરાયલ પર હમાસના હુમલાને પગલે વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ વધી ગયા

મુંબઈઃ ઈઝરાયલ અને ગાઝા સ્ટ્રીપમાંની પરિસ્થિતિને લીધે મધ્ય પૂર્વમાંથી ક્રૂડ તેલનું ઉત્પાદન ખોરવાઈ જવાની ચિંતાને લીધે ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં 4 ટકાનો વધારો થયો છે.

બીબીસીના અહેવાલ મુજબ, યૂએસ ઓઈલ માટેના બેન્ચમાર્ક ધ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)માં પ્રતિ બેરલ 86 ડોલરનો ઉછાળો આવ્યો છે જ્યારે એશિયામાં શરૂઆતના ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ વધી ગઈ હતી. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન પ્રદેશો ખનિજ તેલનું ઉત્પાદન નથી કરતા, પરંતુ ક્રૂડ તેલની વિશ્વસ્તરે જે કુલ સપ્લાય કરાય છે એમાં મધ્ય પૂર્વ વિસ્તારનો હિસ્સો લગભગ એક-તૃતિયાંશ છે. ગાઝામાંથી હમાસ આતંકવાદી સંગઠને ઈઝરાયલ પર હજારો રોકેટો વડે હુમલો કર્યો અને ઈઝરાયલી સેનાએ તેનો વળતો જવાબ આપીને ગાઝા, પેલેસ્ટાઈનમાં વિનાશ વેર્યો એને કારણે બંને પક્ષ વચ્ચે દાયકાઓની સૌથી ખરાબ તંગદિલી વ્યાપી ગઈ છે.

બજારોમાં પ્રવર્તે છે મોટી અનિશ્ચિતતા

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારનું કહેવું છે કે ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં બજારોમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે. કોઈને ખબર પડતી નથી કે આ યુદ્ધનું પરિણામ શું આવશે. જોકે ભારત જેવા ક્રૂડ તેલના મોટા આયાતકાર દેશોને માઠી અસર પડે એટલી હદે તેલની સપ્લાય ખોરવાશે નહીં. પરંતુ જો હમાસનું સૌથી મોટું સમર્થક ઈરાન જો આ યુદ્ધમાં ઢસડાશે તો પરિસ્થિતિ ખૂબ બગડી જશે. એ પછી તેલની સપ્લાઈ ખોરવાઈ જશે અને માર્કેટમાં મોટું જોખમ ઊભું થશે.