ફ્રાન્સે ભારતને પહેલું રફાલ વિમાન સોંપ્યું; રાજનાથ સિંહે ‘શસ્ત્ર પૂજા’ કરી

પેરિસ – ફ્રાન્સે ભારતને 36માંનું પહેલું રફાલ જેટ યુદ્ધવિમાન આજે સુપરત કરી દીધું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેને સ્વીકાર્યું છે. ભારત માટે આજનો દિવસ બહુ મહત્ત્વનો બની ગયો છે. ભારતીય હવાઈ દળ આજે તેનો 87મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે, એ નિમિત્તે દેશ આજે ‘ઈન્ડિયન એર ફોર્સ ડે’ ઉજવી રહ્યો છે અને સાથોસાથ આજે વિજયાદશમી, દશેરાના પાવન પર્વનો દિવસ પણ છે.

રાજનાથ સિંહે મેરિનેક શહેરમાં આવેલા વિમાન ઉત્પાદક દસોલ્ટ એવિએશન કંપનીના પ્લાન્ટમાં જઈને વિમાનની ડિલીવરી સત્તાવાર રીતે મેળવી હતી. આજે વિજયાદશમી તહેવાર હોઈ રાજનાથ સિંહે બાદમાં આ વિમાન પર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ‘શસ્ત્ર પૂજા’ કરી હતી. એમણે શ્રીફળ વધેર્યું હતું અને કંકુ વડે પણ ‘ઓમ’ લખ્યું હતું.

ભારતે ભારતીય હવાઈ દળ માટે આવા 36 વિમાનો બનાવવાનો ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપનીને ઓર્ડર આપ્યો છે. આ વિમાનો મળવાથી ભારતીય હવાઈ દળની તાકાત અનેકગણી વધી જશે.

દસોલ્ટ ફેક્ટરીમાં કંપનીના સીઈઓ એરિક ટ્રેપિઅરે રાજનાથ સિંહનું સ્વાગત કર્યું હતું. રાજનાથ સિંહે બાદમાં પ્લાન્ટમાં તૈયાર બનાવીને રાખવામાં આવેલા રફાલ જેટ વિમાનનું નિરીક્ષણ કર્યું.

રાજનાથ સિંહ એ પહેલાં પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંને મળ્યા હતા.

વિમાનની સોંપણી કરી દેવાયા બાદ રાજનાથ સિંહે તે વિમાનમાં ઉડ્ડયન પણ કર્યું હતું. એમને લઈને ઉડેલા રફાલ ફાઈટર જેટ વિમાનના પાઈલટ હતા ફિલીપ ડુચેટો, જેઓ વિમાન ઉત્પાદક દસોલ્ટ એવિએશન કંપનીના હેડ ટેસ્ટ પાઈલટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]