ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા RSS મક્કમ છેઃ મોહન ભાગવત

નાગપુર – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સંસ્થાના પ્રમુખ મોહન ભાગવતે આજે વિજયાદશમી તહેવાર નિમિત્તે અહીં RSSના સ્વયંસેવકોની કૂચનું નિરીક્ષણ કર્યું હતું, શસ્ત્ર પૂજા કરી હતી અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે એવી દેશની ઓળખના સંદર્ભમાં અપનાવેલા દ્રષ્ટિકોણમાં સંસ્થા કૃતનિશ્ચય છે.

આરએસએસ સંસ્થાનો આજે સ્થાપનાદિવસ પણ છે. આ નિમિત્તે ભાગવતે કહ્યું કે ભારત હિન્દુસ્તાન છે અને હિન્દુ રાષ્ટ્ર છે એવા દ્રષ્ટિકોણ પ્રતિ સંસ્થા દ્રઢ છે.

ભાગવતે કહ્યું કે જે લોકો ભારતના છે, જે લોકો ભારતીય પૂર્વજોનાં વંશજો છે, જેઓ આ દેશની ખ્યાતિ માટે કાર્ય બજાવી રહ્યા છે અને જે લોકો શાંતિનો ફેલાવો કરી, તમામ ધર્મોને આદર અને આવકાર આપવામાં સહયોગી થાય છે એ તમામ ભારતીયો હિન્દુ છે.

ભાગવતે કહ્યું કે, કેટલાક લોકો ભારતીયને Indic તરીકે ઓળખાવે છે એમની સામે સંઘને કોઈ વાંધો નથી.

આપણા દેશમાં રીત-રિવાજો, ઈશ્વરની પૂજા કરવાની પદ્ધતિઓમાં, ખાન-પાનની આદતો, ભાષાઓમાં વિવિધતા છે તે છતાં આપણો સમાજ એક છે. આ જ હિન્દુત્વ છે. સંઘ (RSS)નાં કાર્યનો આ જ પાયો છે.

મોબ લિન્ચિંગની ઘટનાઓ વિશે ભાગવતે કહ્યું કે હિંસાની કોઈ પણ પ્રકારની ઘટનાઓ માત્ર ભારત દેશ, હિન્દુ સમાજને બદનામ કરવા માટે જ કરવામાં આવે છે અને કેટલાક સમાજોમાં ભય પેદા કરવામાં કરવામાં આવે છે.

ભાગવતે કહ્યું કે આરએસએસના સભ્યો આવી ઘટનાઓમાં સામેલ થતા નથી અને એને બદલે તેઓ એને રોકવાનો પ્રયત્ન કરે છે. સમાજમાં જે પ્રકારનો કોમી એખલાસ હોવો જોઈએ એ હજી નથી. હિંસક ઘટનાઓને ખાળવાનો આરએસએસ પ્રયત્ન કરે છે. આવા બનાવોની ભારતમાં કોઈ પરંપરા રહી નથી.

નાગપુરના કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ભાગ લીધો હતો. આ બંને નેતા મૂળ આરએસએસના સ્વયંસેવક છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ અને HCL કંપનીના ચેરમેન શીવ નાડર પણ ઉપસ્થિત રહ્યા હતા.