મેરીકોમનો વિશ્વ મહિલા બોક્સિંગ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

ઉલાન-ઉડે (રશિયા) – 6 વખત વિશ્વ ચેમ્પિયન બનેલાં એમ.સી. મેરીકોમે આજે અહીં વિશ્વ મહિલા મુક્કાબાજી સ્પર્ધામાં આસાન જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

51 કિલોગ્રામ વર્ગમાં મેરીકોમે થાઈલેન્ડની જુતામસ જિતપોંગ નામની હરીફને 5-0થી પરાજય આપ્યો હતો. જજીસના પોઈન્ટ્સ મેરીકોમની તરફેણમાં આ રીતે રહ્યા હતા : 29-28, 29-28, 29-28, 30-27, 30-27.

36 વર્ષીય મેરીકોમ 51 કિ.ગ્રા. વર્ગમાં વિશ્વ ખિતાબ માટે આ પહેલી જ વાર રિંગમાં ઉતર્યાં છે. એમણે તેમની પ્રતિષ્ઠા અનુસારનો આક્રમક ખેલ જ આજે બતાવ્યો હતો.

થાઈલેન્ડની બોક્સર પણ આક્રમક હતી અને તેને કારણે બંનેને અલગ થવાનું રેફરીએ અનેકવાર કહેવું પડ્યું હતું.

પહેલા રાઉન્ડના અંતભાગમાં મેરીકોમ થોડુંક સંરક્ષણાત્મક રહીને રમ્યાં હતાં. જોકે તક મળતાં જ એમણે જોતજોતામાં સરસ પંચ માર્યા હતા.

બીજા રાઉન્ડમાં પણ એવી જ સ્થિતિ રહી હતી. બંને બોક્સરે આક્રમકતામાં જરાય ઘટાડો કર્યો નહોતો.

મેરીકોમ યોગ્ય જગ્યાએ પંચ લગાવવામાં સફળ રહ્યાં હતાં અને સાથોસાથ થાઈ હરીફના પંચથી પોતાનો સરસ રીતે બચાવ પણ કર્યો હતો. એમ કરીને એમણે ધડાધડ પોઈન્ટ્સ મેળવ્યા હતા.

ત્રીજા રાઉન્ડમાં મેરીકોમે જમણા અને ડાબા જેબનો સરસ રીતે ઉપયોગ કર્યો હતો અને જિતપોંગની નજીક જઈને એને અપરકટ પણ માર્યા હતા. આખરે મેરીકોમના હિસ્સામાં જીત આવી હતી.

હવે ક્વાર્ટર ફાઈનલમાં મેરીકોમનો મુકાબલો કોલંબિયાની ઈંગ્રિટ વાલેન્સિયા સામે થશે. તે પેન-અમેરિકા વિજેતા છે અને રિયો ઓલિમ્પિક્સ-2016માં કાંસ્ય ચંદ્રક જીતી ચૂકી છે.

75 કિલોગ્રામ વર્ગમાં ભારતની સ્વીટી બોરાનો પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો હતો. એ વેલ્સની હરીફ બોક્સર સામે હારી ગઈ હતી.