દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)માં છેલ્લા સાત દાયકાઓમાં સૌથી ખરાબ વરસાદ પડ્યો છે. UAEના મુખ્ય શહેર દુબઈની સ્થિતિ ભયાવહ થઈ ગઈ છે. દુબઈના રસ્તા, ઘર મોલ અને એરપોર્ટમાં જળભરાવો થયો છે. વરસાદને કારણે રણનું શહેર ડૂબી ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ટ્રાફિક સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે.
UAEમાં પડેલા ભારે વરસાદને કારણે કેટલાય લોકો લાપતા થયા છે. દુબઈ સિવાય ઓમાનમાં પણ ભારે વરસાદનો કહેર જારી છે. ઓમાનમાં 18 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે વર્ષનો વરસાદ માત્ર 24 કલાકમાં થવાને કારણે મંગળવારે શહેરમાં પૂર આવ્યું હતું. સોમવારે રાત્ર 10 કલાકથી 24 કલાકની અંદર સવા છ ઇંચ વરસાદ નોંધાયો છે.સામાન્ય રીતે રણ વિસ્તારમાં વાર્ષિક 3.12 ઇંચ વરસાદ થયા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દુબઈમાં એપ્રિલમાં માત્ર 0.13 ઇંચ વરસાદ થાય છે. જોકે મંગળવારે રાત સુધી 75 વર્ષોમાં સૌથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. દુબઈમાં શોપિંગ મોલ, રસ્તા, મેટ્રો સ્ટેશન એરપોર્ટ અને રહેઠાણ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.શહેરમાં લોકો ઘેર પહોંચવા માટે ઉતાવળા થયા હતા. વરસાદને કારણે દુબઈ ઇન્ટરનેશનલ એકપોર્ટની 25 મિનિટ સુધી કામગીરી બંધ કરવી પડી હતી. મેટ્રો ટ્રેનોની સ્થિતિ પણ ખરાબ થઈ હતી. વીજ કનેક્શનને ઘણું નુકસાન થયું હોવાથી મેટ્રોની કેટલીય ટ્રેનો હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દુબઈના દુબઈ મોલ અને મોલ ઓફ એમિરેટ્સ- બંનેએ પૂરનો સામનો કરવો પડ્યો હતો.