મેલબર્નઃ આ શહેરથી આશરે 110 કિ.મી. દૂર આવેલું ડેલેસફોર્ડ નગર પર્યટકોમાં ઘણું લોકપ્રિય છે. ત્યાં ગઈ કાલે સાંજે એક દુઃખદ ગમખ્વાર બનાવ બન્યો હતો. રોયલ ડેલેસફોર્ડ હોટેલ નામના એક પબમાં અનેક મહેમાનો-ગ્રાહકો મોજ માણી રહ્યાં હતાં ત્યારે એક ધસમસતી કાર ઘૂસી આવી હતી અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા. એમાંના પાંચ જણના મરણ થયા હતા અને બીજા અનેકને ઈજા થઈ છે. મૃતકોમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. ચાર જણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ગંભીર રીતે જખ્મી થયેલી એક છોકરીને હેલિકોપ્ટરની મદદથી મેલબર્નની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ બાદમાં એનું મૃત્યુ થયું હતું. મૃતકો બે પરિવારનાં સભ્યો હતાં જેઓ એકબીજાંને જાણતાં હતાં.
અનેક લોકો હોટેલની બહારના ભાગમાં ઘાસની લોન પર બેસીને ખાણીપીણીની મજા માણી રહ્યાં હતાં ત્યારે અચાનક એક એસયૂવી કાર ધસમસતી ત્યાં આવી હતી અને ઘણા ટેબલ-ખુરશીઓ સાથે અથડાઈ હતી. કારે કેટલાકને ફંગોળી દીધા હતા તો કેટલાકને કચડી નાખ્યા હતા. ભોગ બનેલા લોકો સ્થાનિક રહેવાસીઓ નહોતાં. એમની ઓળખ કરવાની હજી બાકી હતી. કારે કરેલા અકસ્માતનું ખરું કારણ પણ હજી જાણવા મળ્યું નથી. કારનો ડ્રાઈવર 66 વર્ષનો શખ્સ હતો. પોલીસે તેને પકડી લીધો હતો. એની ટેસ્ટ લેવાતાં એના શરીરમાં આલ્કોહોલ ન હોવાનું માલુમ પડ્યું હતું. એને મામુલી ઈજા થઈ છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પોલીસ એને તાબામાં લેશે અને પૂછપરછ કરશે.