તેલ અવીવઃ હમાસ આતંકવાદીઓએ ગાઝા સ્ટ્રીપમાંથી કરેલા ભયાનક રોકેટ અને બોમ્બ હુમલાઓને પગલે ઈઝરાયલમાં ભારે નુકસાન થયું છે. ઈઝરાયલે હમાસ સામે યુદ્ધ આદર્યું છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલની મદદે આવ્યું છે. અમેરિકામાંથી શસ્ત્રો ભરેલું પહેલું વિમાન મંગળવારે સાંજે ઈઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલા નેવાટીમ એરબેઝ ખાતે ઉતર્યું હતું.
જોકે અમેરિકાએ કયા પ્રકારના શસ્ત્રો કે લશ્કરી સરંજામ મોકલ્યા છે તેની વિગત હજી જાણવા મળી નથી. અમેરિકી પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્રએ ઈઝરાયલને શસ્ત્રસરંજામ પૂરા પાડવાનું આ અઠવાડિયાથી શરૂ કર્યું છે. ઈઝરાયલ ડીફેન્સ ફોર્સીસ (આઈડીએફ)નું કહેવું છે કે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં અમારા બંને દેશના લશ્કર વચ્ચે સહકારભર્યો સંબંધ એક મહત્ત્વનો હિસ્સો છે. ઈઝરાયલના પ્રમુખ બેન્જામીન નેતન્યાહૂએ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ જો બાઈડન સાથે ટેલિફોન પર ગઈ કાલે ત્રીજી વાર વાતચીત કરી હતી. નેતન્યાહૂએ એમને કહ્યું હતું કે હમાસ આતંકવાદીઓ ISIS કરતાં પણ ખરાબ છે અને એમની સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ.