બ્રિટનમાં કોરોના નિયંત્રણો ઉઠાવી લેવાયાઃ માસ્ક વૈકલ્પિક

લંડનઃ બ્રિટિશ સરકારે દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાને લગતા તમામ નિયંત્રણો આજથી ઉઠાવી લીધા છે. મોઢાં પર માસ્ક પહેરવાનું તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ હવે ફરજિયાત નહીં રહે. નિયંત્રણો ઉઠાવી લેવાથી રોગચાળો ફરી માથું ઉંચકશે અને કોરોનાના નવા વેરિઅન્ટ્સનું નિર્માણ થવાનું જોખમ છે એવી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હોવા છતાં બ્રિટિશ સરકારે આ નિર્ણય લીધો છે.

રવિવાર, 18 જુલાઈની રાતે 11 વાગ્યાથી કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરજિયાત ફેસ માસ્ક પહેરવાનું તથા વર્ક ફ્રોમ હોમના નિયમોનો અંત આવી ગયો છે. ગયા વર્ષના માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારપછી આ પહેલી જ વાર બ્રિટનમાં કોરોના નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવાયા છે. હવે નાઈટક્લબ્સ ફરી શરૂ કરી શકાશે. તે ઉપરાંત થિયેટરો અને સિનેમાગૃહોમાં પણ પૂરી ક્ષમતા સાથે શો ફરી શરૂ કરી શકાશે. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન જો કે એમના સાથી પ્રધાન સાજિદ જાવિદને કોરોના થતાં હોમ ક્વોરન્ટીન થયા છે. એમણે દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ સતર્ક રહે. કોરોના રસીકરણ દેશની જનતાને સુરક્ષિત રાખશે.