ફોન-ટેપિંગ-જાસૂસીના આક્ષેપને ભારત સરકાર, ઈઝરાયલી કંપનીએ નકાર્યો

નવી દિલ્હીઃ ભારતમાં હાલના કેન્દ્રીય પ્રધાનો, વિપક્ષી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારો તથા અન્ય વગદાર વ્યક્તિઓનાં ફોન ટેપ કરવામાં આવે છે, જાસૂસી કરવામાં આવે છે એવા મિડિયા અહેવાલોને ભારત સરકારે તથા પેગાસસ સ્પાયવેર નામે જાસૂસી માટેના સાધનો વેચતી ઈઝરાયલની કંપની NSO ગ્રુપે નકારી કાઢ્યાં છે. મિડિયા અહેવાલોમાં એવો આક્ષેપ કરાયો છે કે ભારતમાં અનેક લોકો પર જાસૂસી કરાવવા, એમનાં ફોન ટેપ કરાવવા માટે કેન્દ્ર સરકારે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે. ભારતમાં હિન્દુસ્તાન ટાઈમ્સ, ઈન્ડિયા ટુડે, નેટવર્ક 18, ધ હિન્દુ, ઈન્ડિયન એક્સપ્રેસ, અને ધ વાયરના 40થી વધારે પત્રકારો એક અજાણી એજન્સીના હેકિંગ લિસ્ટ પર છે. ધ વાયરનો આક્ષેપ છે કે મોટા ભાગના પત્રકારોને 2018 અને 2019 વચ્ચેના સમયગાળામાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

NSO ગ્રુપના પ્રવક્તાએ ઝી મિડિયાને આપેલા નિવેદનમાં આક્ષેપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે આક્ષેપભર્યો અહેવાલ તદ્દન ખોટો અને પાયાવિહોણો છે. એટલે જ એની વિશ્વસનીયતા પર તથા સૂત્રોનાં હિત વિશે શંકા જાય છે. આવો જ રદિયો ભારત સરકારે પણ એક નિવેદન દ્વારા આપ્યો છે. સરકારે કહ્યું છે કે, આક્ષેપોમાં કોઈ નક્કર આધાર જ નથી. ભારત એક પારદર્શક લોકશાહી ધરાવતો દેશ છે અને તે એના તમામ નાગરિકોના પ્રાઈવસી જાળવવાના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. સરકારી એજન્સીઓએ કોઈ પણ ગેરકાયદેસર રીતે કોઈના સંદેશા આંતર્યા નથી. ચોક્કસ વ્યક્તિઓ પર સરકારે જાસૂસી કરાવી છે એવા અહેવાલો પાયાવિહોણા છે અને સત્યથી વેગળા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]