UPના લોકોને લાગ્યો મોંઘવારીનો આંચકોઃ વીજળી બિલમાં વધારો

લખનૌઃ ઉત્તર પ્રદેશના વીજગ્રાહકોને આવતા મહિને એટલે કે જૂનથી મોંઘવારીનો મોટો આંચકો લાગવાનો છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડે (UPPCLએ) વીજ બિલ પર વધારાનો ફ્યુઅલ સરચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેને કારણે રાજ્યના ગ્રાહકોના વીજ બિલમાં આશરે 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. વીજ વિભાગનું કહેવું છે કે વીજ ઉત્પાદન અને ખરીદીના વધેલા ખર્ચની ભરપાઈ કરવા માટે આ સરચાર્જ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ વધારાની રકમ જૂન, 2026થી જારી થનારા વીજ બિલોમાં અલગથી દર્શાવવામાં આવશે.

આ નિર્ણયનો પ્રભાવ ઘરેલુ, વ્યાવસાયિક તેમ જ અન્ય તમામ કેટેગરીના ગ્રાહકો પર પડશે. બીજી તરફ, ગ્રાહક સંગઠનોએ વધતી મોંઘવારી વચ્ચે વીજ બિલમાં વધારો થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અનેક લોકોનું કહેવું છે કે એક તરફ વીજકાપની ફરિયાદો છે અને બીજી તરફ બિલમાં વધારો કરવો સામાન્ય જનતા પર વધારાનો બોજ લાદવા જેવું છે. જૂનથી વધેલા બિલ મળતાં રાજ્યના લાખો ગ્રાહકોનાં ખિસ્સાં પર સીધી અસર પડશે. સરકારના આ નિર્ણય બાદ જો કોઈ ગ્રાહકનું વીજ બિલ અત્યાર સુધી રૂ. 1000 આવતું હોય તો હવે જૂનથી તેને 10 ટકા વધુ એટલે કે રૂ. 1100 ચૂકવવા પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વીજ કાપ અને અપૂરતી વીજ પુરવઠાની ફરિયાદો સામે આવી રહી છે. વીજ બિલમાં વધારાને લઈને વિરોધ પક્ષોએ સરકાર અને UPPCLની ટીકા કરી છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે UPPCL દ્વારા 10 ટકા ફ્યુઅલ સરચાર્જ વસૂલવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સ્માર્ટ મીટર લાગ્યા પછી બિલમાં 10 ટકા નહીં, પરંતુ 100 ટકા સુધીનો વધારો થયો છે. સૌપ્રથમ આ સ્માર્ટ મીટરો દૂર કરવાં જોઈએ, નહીં તો તે તમામ લોકોને મુશ્કેલીમાં મૂકી દેશે.