LPGની કિંમતો વધતાં કોંગ્રેસનો ભાજપ પર હુમલો

નવી દિલ્હીઃ દેશમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલા અચાનક વધારો લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. મણિકમ ટાગોરે આ મુદ્દે કેન્દ્ર સરકારને નિશાન બનાવતાં કહ્યું કે આ વધારો ચૂંટણી પૂર્ણ થતાં જ કરવામાં આવ્યો છે, જે એક વિચારીને બનાવેલી વ્યૂહરચના જેવો લાગે છે. તેમણે તેને સંયોગ નહીં, પરંતુ એક પેટર્ન ગણાવ્યો છે.

વાસ્તવમાં, પહેલી મેથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેને પરિણામે દિલ્હીમાં તેની કિંમત વધીને 3071.50 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત પાંચ કિલોના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરના ભાવમાં પણ આશરે 261 રૂપિયાનો વધારો થયો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે 29 એપ્રિલે મતદાન થયું અને તેના તરત પછી પહેલી મેએ ભાવ વધારી દેવામાં આવ્યા. તેમના કહેવા મુજબ ચૂંટણી પહેલા ભાવ વધારવામાં આવ્યા નહોતા, પરંતુ મતદાન પૂર્ણ થતાં જ આ નિર્ણય લેવામાં આવ્યો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેની સીધી અસર નાના વેપારીઓ પર પડશે, જેમ કે હોટેલ, ઢાબા, ચાની દુકાનો અને અન્ય નાના વ્યવસાયો. ટાગોરના જણાવ્યા મુજબ જ્યારે કોમર્શિયલ ગેસના ભાવ વધે છે ત્યારે નાના દુકાનદારોને પણ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધારવા પડે છે, જેનાથી સામાન્ય લોકો પર પણ અસર પડે છે. આ કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.

બીજી તરફ, નિષ્ણાતો માને છે કે ગેસના ભાવમાં આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઉતાર-ચઢાવને કારણે થયો છે. તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે કાચા તેલના ભાવ વધી રહ્યા છે. ભારત પોતાની ગેસની જરૂરિયાતનો મોટો ભાગ વિદેશમાંથી આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવોમાં થતા ફેરફારોનો અસર અહીં પણ જોવા મળે છે.

સરકારે હાલમાં ઘરેલુ ગેસના ભાવ સ્થિર રાખ્યા છે, જેથી સામાન્ય ઘરોને રાહત મળી છે. પરંતુ કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થતાં નાના વેપારીઓ અને ગ્રાહકો પર તેનો અસર સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.