વેકેશનના ધસારાને પગલે ગુજરાત ST બસની 19,200 એક્સ્ટ્રા ટ્રીપ!

અમદાવાદ: ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને પગલે એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન 2026માં 9.60 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. એસ.ટી. નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગોધરા જેવા જિલ્લાઓમાં આ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી. સાથે જ ધાર્મિક અને પ્રવાસન સ્થળો જેવાં કે સોમનાથ, દ્વારકા, પાવાગઢ, શામળાજી, અંબાજીમાં પણ વધારાની ટ્રીપનું આયોજન કરાયું હતું.

રાજ્યના નાગરિકોને જાહેર પરિવહનમાં અગવડ ન પડે તે માટે સરકાર દ્વારા ૩૦૦ નવીન બસો તાત્કાલિક અસરથી પ્રજાની સેવામાં મૂકવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો વધારો થયો છે. હાલમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક 7,000થી વધુ શિડ્યુલ અને 33,000 ટ્રીપો મારફતે આશરે ૩૩.૦૦ લાખ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવે છે. જેના દ્વારા દરરોજ 27 લાખથી પણ વધુ મુસાફરોને સમયસર અને સલામત પરિવહન સેવા મળી રહી છે.