ગુજરાતની તમામ ૧૪,૦૦૦ પંચાયતોને ‘આત્મનિર્ભર’ બનાવવાનું આહ્વાન

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને ગ્રામીણ સ્તરે સાકાર કરવા માટે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા એક દિવસીય રાજ્યસ્તરીય ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, હવે પંચાયતોએ માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક પ્રકલ્પો અને સંસાધનો થકી આવકના નવા સ્ત્રોત ઊભા કરીને આર્થિક રીતે સ્વાવલંબી બનવું પડશે. આ માટે મંત્રાલય દ્વારા તમામ તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાતના પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ શરૂઆતમાં આવકના ચોક્કસ માપદંડોના આધારે ગુજરાતની ૭૧ પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આપણો લક્ષ્યાંક માત્ર ૭૧ પંચાયતો પૂરતો સીમિત નથી, બલ્કે રાજ્યની તમામ ૧૪,૦૦૦થી વધુ પંચાયતોને ‘આત્મનિર્ભર’ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું કે ૨૦૪૭ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂરું કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ એટલી જ ઉર્જા સાથે ભાગીદાર બનવું પડશે. ગામડાના નાગરિકોને પણ શહેરો જેવી જ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ અને સુવિધાઓ મળવી જોઈએ.અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, શહેરી સ્થાનિક સંસ્થાઓની જેમ જ ગ્રામ પંચાયતોમાં મજબૂત નાણાકીય વ્યવસ્થાપન ઊભું કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં નાબાર્ડ (NABARD) અને હુડકો (HUDCO) જેવી સંસ્થાઓ પણ સહયોગી બની છે. નાબાર્ડના રિજિનલ મેનેજરે ગ્રામ હાટ, ગોડાઉન નિર્માણ, ફિલ્ટર પાણીની સુવિધા અને કૃષિ પ્રોસેસિંગ જેવા મોડલ્સ દ્વારા પંચાયતોને સ્વનિર્ભર બનવા માટે ડીપીઆર (DPR) તૈયાર કર્યા હોવાની માહિતી આપી હતી.

જ્યારે હુડકોના અધિકારીએ પંચાયતોને ટેકનિકલ, નાણાકીય આયોજન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે સંપૂર્ણ તાલીમ અને ફંડિંગ માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વર્કશોપમાં આત્મનિર્ભર પંચાયત પોર્ટલનું લાઈવ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મોટી સંખ્યામાં જિલ્લા-તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીઓ અને સરપંચો જોડાયા હતા.