વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની થોમસ એડિસને ઈલેક્ટ્રિક બલ્બની શોધ કરી તે પહેલાં એ એક-બે નહીં, પરંતુ દસ હજાર વખત અસફળ રહ્યા
હતા. લોકો તેમને મૂર્ખ ગણતા, પણ એડિસનને પોતાની શ્રદ્ધા અને અવિરત પુરુષાર્થ પર વિશ્વાસ હતો. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આટલી નિષ્ફળતા છતાં તમે ધીરજ કેમ ન ગુમાવી? ત્યારે તેમણે હસીને કહ્યું હતું, “હું દસ હજાર વખત નિષ્ફળ નથી ગયો, પણ મેં એ દસ હજાર રસ્તા શોધ્યા છે, જે ક્યાંયે નથી લઈ જતા… ”
આ જ દ્રઢ શ્રદ્ધા, અખંડ ધીરજ અને નિરંતર મંડી પડવાના જુસ્સાને કારણે આખરે એક દિવસ આખી દુનિયા રોશનીથી ઝળહળી ઊઠી. આ પરંપરા માત્ર વિદેશમાં જ નહીં, આપણા ભારતમાં પણ એટલી જ સચોટ રીતે જોવા મળે છે, કારણ “ઉતાવળે આંબા ન પાકે.” વાવેલા બીજને વટવૃક્ષ બનતાં અને એક નાના વિચારને ક્રાંતિ બનતાં સમય લાગે છે. જો શ્રદ્ધા અને ધીરજ રાખીને કામમાં મંડી પડો, તો ગમે તેવું અશક્ય કામ પણ અવશ્ય પૂરું થાય જ છે.
હજારો વર્ષ પહેલાં પશુ જેવું જીવન જીવતો માનવ આજે સ્પેસમાં માત્ર સંશોધન કરવા જ જતો નથી બલકે, સ્પેસ ટુરીઝમ કરતો થઈ ગયો. તે સમયથી આજ સુધી જેટલી શોધખોળ થઈ, માનવીની પ્રગતિ થઈ એ એના મગજમાં આવેલા એક વિચારનું, આઈડિયાનું પરિણામ છે. અંગ્રેજ લેખક ડૉ. જૉન રસ્કિને કહેલું કે ‘માનવઈતિહાસ ખરેખર તો વિચારોનો ઈતિહાસ છે.’

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની સ્વ. ડૉ. અબ્દુલ કલામ પોતાની આત્મકથામાં જણાવે છે કે, “બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનનું આકર્ષણ હતું. બગલા તથા સીગલ પક્ષીઓને આકાશમાં ઊંચે ઊડતાં જોતો ત્યારે મને ઊડવાની ઈચ્છા થતી. હું ભલે ગામડાનો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું આકાશમાં ઊડીશ. અને ખરેખર રામેશ્વરમાંથી આકાશમાં વિહરનારો હું પ્રથમ છોકરો બન્યો.”
એક પ્રબળ વિચાર વ્યક્તિને કેટલી બળવાન બનાવી શકે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે જ, કહે છેને કે જીવન રૂપી ખેતરમાં જેવા વિચારનાં બીજ વાવીએ એવો જ પાક મળે. આંબો વાવો તો આંબો જ ઊગે, બાવળ વાવો તો બાવળ ઊગે. વાવીએ તે જ ઊગે.
મોટા ભાગના લોકો પોતાને સામાન્ય ગણી વિચારવાનું માંડી વાળે છે. જેમણે મૌલિક વિચાર કર્યા છે તે બીજા કરતાં જુદું કરી પ્રગતિ અને સફ્ળતા પામ્યાં. યુવાનો બીજાની સફ્ળતા કે પ્રસિદ્ધિથી અંજાઈને તેના જેવા બનવાના વિચાર કર્યા કરે છે. ક્યારેક સચિન કે કોહલી, ક્યારેક રોનાલ્ડો તો ક્યારેક મેસ્સી, પરંતુ ફૂટબૉલ કે ઘડિયાળના લોલકની જેમ આમથી તેમ ફંગોળાતા પાયા વિનાના વિચાર પાણીમાં દોરડાં વણવા જેવો વ્યર્થ વ્યાયામ સાબિત થાય છે. એક વિચાર પકડી તેના માટે સતત ચિંતનમનન સહિતનો ઉદ્યમ થાય તો જીવનમાં કાંઈક પામી શકાય.
૧૮૫૫માં અમેરિકાના વિસ્કોન્સિનમાં જન્મેલો કૅમ્પ ૨૧ વર્ષનો થયો ને પહેલી નોકરી મળી. સેલ્સમેન તરીકે એણે વિવિધ શહેરોમાં જઈને માલ વેચવાનો હતો. આમ ને આમ ૩0 વર્ષ બીજાનો માલ વેચી એ કંટાળ્યો. એક દિવસ એને વિચાર આવ્યો કે પોતાનું કામકાજ કરવું અને એવું કંઈ બનાવવું, જે લોકો દર થોડા દિવસે ખરીદ્યા કરે. આ વિશે સતત વિચાર કરતાં એને શેવિંગ બ્લેડ અને હોલ્ડરનો આઈડિયા આવ્યો. આનાથી રોજેરોજ અસ્ત્રાની ધાર કાઢવાની ઝંઝટ છૂટી. વળી બે-ચાર વાર દાઢી કર્યા બાદ નવી બ્લેડ ખરીદવી પડતી એટલે માલ ધૂમ વેચાતો.

મિસ્ટર કૅમ્પનું આખું નામઃ કિંગ કૅમ્પ જિલેટ. એણે શોધેલી બ્લેડ અને અન્ય શેવિંગનાં સાધનનું બ્રાન્ડનેમઃ જિલેટ.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુનાકાંઠે મંદિર કરવું. પોતાના ગુરુનો આ એક વિચાર પ્રમુખસ્વામી મહારાજનું જીવન બની ગયો. વિચારને સાકાર કરવા તેમણે ૩૨ વર્ષ ધીરજ રાખી પ્રચંડ પુરુષાર્થ કર્યો. અલબત્ત, એમાં વિઘ્ન આવ્યાં, પણ એનાથી ડર્યા કે ડગ્યા વિના તેમણે માત્ર વિચાર સમક્ષ જ દૃષ્ટિ રાખી, જેના ફ્ળ સ્વરૂપે આ વિશ્વને દિલ્હી અક્ષરધામ મળ્યું. સારા વિચારોનાં વાવેતર કરી કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે.
યાદ રહે સફળતા કોઈ રાતોરાત મળતી ચમત્કારિક ઘટના નથી, પરંતુ એ શ્રદ્ધા, ધીરજ અને અવિરત પુરુષાર્થનું મધુર ફળ છે. જેમ જિલેટે પોતાના એક વિચાર પર અડગ રહીને શેવિંગ ક્રાંતિ સર્જી કે પ્રમુખસ્વામી મહારાજે ૩૨ વર્ષની ધૈર્યપૂર્ણ સાધનાથી દિલ્હી અક્ષરધામનું નિર્માણ કર્યું, તેમ આપણે પણ આપણા વિચારો પ્રત્યે નિષ્ઠાવાન બનવું પડશે.
દુનિયા શું કહે છે એ ભૂલીને જ્યારે તમે તમારા ઉત્તમ વિચારને પકડી રાખશો અને લક્ષ્ય તરફ એક-એક ડગલું આગળ વધારતા રહેશો, ત્યારે મોટો પહાડ પણ રસ્તો આપવા મજબૂર થઈ જશે. વાવેલું બીજ એક જ દિવસમાં આંબો નથી બનતું, એને ખાતર, પાણી અને સમય આપવો પડે છે. માટે, ચંચળ વિચારોના વંટોળમાંથી બહાર નીકળો, એક સુંદર વિચાર વાવો, તેના પર શ્રદ્ધા રાખો, ધીરજની છાયા આપો અને મંડી પડો. કુદરતનો નિયમ છે કે સાચા દિલથી અને ધીરજથી કરેલું કાર્ય ક્યારેય એળે જતું નથી. તમારો સમય પણ આવશે અને એ આંબાના ફળ પણ અવશ્ય પાકશે જ!
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




