પશ્ચિમ બંગાળમાં EVM સાથે છેડછાડ અંગે 77 ફરિયાદો  મળી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં બુધવારે થયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન EVM સાથે કથિત છેડછાડ અંગે 77 ફરિયાદો મળી છે.  જોકે ચૂંટણી પંચ આ વિસ્તારોમાં ફરી મતદાન કરાવવા અંગે નિર્ણય લે એવી શક્યતા છે. ફરિયાદોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)નાં બટનો પર કાળી ટેપ ચોંટાડવામાં આવી હતી  તેમ જ  શાહી અને અહીં સુધી કે પરફ્યુમના નિશાન પણ જોવા મળ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં-જ્યાં ટેપ અથવા શાહીનો ઉપયોગ કરીને EVM સાથે છેડછાડના આક્ષેપ સાચા સાબિત થશે, ત્યાં ચૂંટણી પંચ ફરી મતદાનનો આદેશ આપશે. ચૂંટણી પંચનાં સૂત્રો મુજબ આ ફરિયાદો ફાલ્ટા, મગરાહાટ, ડાયમંડ હાર્બર અને બજ-બજ વિધાનસભા ક્ષેત્રોમાંથી મળી છે. ફાલ્ટા સૌથી મોટું રાજકીય અથડામણનું કેન્દ્ર બનીને સામે આવ્યું છે, જ્યાંથી 32 ફરિયાદો મળી છે. ત્યારબાદ ડાયમંડ હાર્બર (29), મગરાહાટ (13) અને બજ-બજ (3)નો ક્રમ આવે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 23 કેસોની પ્રાથમિક રીતે પુષ્ટિ થઈ ગઈ છે, જેમાંથી 20 કેસ ફાલ્ટાના છે. સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ફરિયાદોની તપાસ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ તેની સંપૂર્ણ પીઠની બેઠકમાં આ પરિણામોની સમીક્ષા કરશે અને ત્યાર બાદ ક્યાં અને ક્યારે ફરી મતદાન કરાવવું તે અંગે નિર્ણય લેશે.

ચૂંટણી પંચે શું કહ્યું?

પશ્ચિમ બંગાળના CEOએ જણાવ્યું હતું કે EVM પર ટેપ અથવા શાહીથી થયેલી છેડછાડના આક્ષેપો અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અથવા નિરીક્ષકોની રિપોર્ટની તપાસ કર્યા પછી જ ફરી મતદાનનો આદેશ આપવામાં આવશે. મનોજ અગ્રવાલનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભાજપે આક્ષેપ કર્યો હતો કે બીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન કેટલાંક મતદાન કેન્દ્રોમાં તેમના ચૂંટણી ચિહ્નને ટેપથી ઢાંકી દેવામાં આવ્યું હતું અથવા તેના પર શાહી નાખવામાં આવી હતી.

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ X પર એક વિડિયો શેર કરીને દાવો કર્યો કે ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના મતદાન કેન્દ્ર નં. 144 અને 189 પર પાર્ટીના ચિહ્ન પર સફેદ ટેપ લગાવવામાં આવી હતી અને ત્યાં ફરી મતદાન કરવાની માગ કરી હતી.