નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)ના 70મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં EDના ડિરેક્ટર રાહુલ નવીને એજન્સીની સિદ્ધિઓ, પડકારો અને ભવિષ્યની વ્યૂહરચના અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં આર્થિક ગુનાઓનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. પહેલા તપાસ એજન્સીઓનું ધ્યાન બેંક ફ્રોડ, મોટાં કોર્પોરેટ કૌભાંડો અને રિયલ એસ્ટેટ છેતરપિંડી પર હતું, પરંતુ હવે ક્રિપ્ટોકરન્સી ફ્રોડ, સાયબર ક્રાઈમ, આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સ તસ્કરી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ મોટી પડકારરૂપ બની છે. આ બદલાવને ધ્યાનમાં રાખીને EDએ પોતાની તપાસ પદ્ધતિને મજબૂત બનાવી છે.
94 ટકા કન્વિક્શન રેટ
તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26માં EDએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ 812 પ્રોસિક્યુશન ફરિયાદો (ચાર્જશીટ) દાખલ કરી હતી, જેમાં 155 સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ સામેલ છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણો છે. તેમણે દાવો કર્યો હતો કે EDનો કન્વિક્શન રેટ 94 ટકા છે અને ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ 2400થી વધુ કેસોમાં મોટા ભાગના આરોપીઓને સજા થવાની શક્યતા છે.
છેલ્લા વર્ષમાં કેટલી સંપત્તિ જપ્ત થઈ?
ED ડિરેક્ટરે જણાવ્યું હતું કે એજન્સીનો હેતુ માત્ર આરોપીઓને સજા કરાવવાનો નથી, પરંતુ ગુનાથી મેળવેલી સંપત્તિને જપ્ત કરવાનો પણ છે.
* ગયા નાણાકીય વર્ષમાં: 81,422 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરવામાં આવી
* આ અગાઉના વર્ષ કરતાં લગભગ 170 ટકા વધારે છે
* અત્યાર સુધી કુલ: 2.36 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે
2019માં PMLA કાયદામાં ફેરફાર બાદ પીડિતોને ટ્રાયલ દરમિયાન જ રાહત આપવાનું સરળ બન્યું છે, જેને કારણે અત્યાર સુધી 63,142 કરોડ રૂપિયા બેંકો, રોકાણકારો અને ઘર ખરીદદારોને પરત આપવામાં આવ્યા છે.
ભાગેડુ આર્થિક ગુનેગારો પર કાર્યવાહી
Fugitive Economic Offenders Act હેઠળ 31 માર્ચ 2026 સુધી 54 લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાંથી 21 લોકોને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ 2178 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.




