સુરત: ટોરેન્ટ ગ્રુપ પ્રેરીત યુ.એન.એમ. ફાઉન્ડેશનની કલાત્મક પહેલ “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ” સાથે ફરી એકવાર સુરત શહેર સર્જનાત્મક ઊર્જામાં સમાઈ જવા તૈયાર છે. શહેરમાં અભિવ્યક્તિની આવૃત્તિઓનું આ સતત ચોથું વર્ષ થશે.
પ્રત્યેક વ્યક્તિ સુધી કલાની પહોંચ સુલભ થાય તેવા અભિગમ સાથે અભિવ્યક્તિ ૨ અને ૩ મે ૨૦૨૬ના રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેમાં બંને દિવસે સાંજે ૭.૩૦ વાગ્યે અને રાત્રે ૯.૩૦ વાગ્યે એમ બે પ્રસ્તુતિઓ રજૂ થશે. આ પ્રસ્તુતિઓ માણવા માટે તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
સુરત, અમદાવાદ અને મુંબઈના કલાકારો દ્વારા રજૂ થનાર શાનદાર પ્રસ્તુતિઓ સાથે સુરતીઓ નાટક, નૃત્ય અને સંગીત જેવા વિવિધ કલા સ્વરૂપોનો આનંદ માણશે.
૨જી મેના રોજ સુરતના રંગભૂમિના કલાકાર ગિરીશ સોલંકી દ્વારા નાટ્ય પ્રસ્તુતિ “હરગૌરી શાસ્ત્રી” રજૂ કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદના રિતેશ અને કુણાલ “બાઉન્સ: ધ જેનેસિસ ઓફ એવરીથિંગ” નામની નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરશે.
૩જી મેના રોજ મુંબઈની પ્રાર્થના કે દ્વારા પોતાની નાટ્ય પ્રસ્તુતિ “ધ વાઇન ઇન્ટરવેન્શન” રજૂ કરવામાં આવશે, ત્યારબાદ સુરતના રાજ મોદીની આગેવાનીમાં ગુજરાત ગેરેજ બેન્ડ પોતાની સંગીતમય પ્રસ્તુતિ “ધ શંકરાચાર્ય પ્રોજેક્ટ” રજૂ કરશે.
નવેમ્બર – ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં આયોજિત અભિવ્યક્તિની સાતમી આવૃતિમાંથી પસંદ કરવામાં આવેલ પ્રસ્તુતિઓને પ્રખ્યાત નિષ્ણાંત – ગોપાલ અગ્રવાલ (નૃત્ય), તાપસ રેલિયા (સંગીત) અને ગુરલીન જજ (નાટક) દ્વારા ક્યુરેટ કરવામાં આવી છે. જયારે કૃતિ મહેશ (નૃત્ય), રજત ઢોળકિયા (સંગીત) અને સૌમ્ય જોષી (નાટક) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નવેમ્બર – ૨૦૨૫માં અમદાવાદમાં યોજાયેલ સાતમી આવૃત્તિમાં દેશભરના ૪૫ શહેરોમાંથી આવેલ ૧,૧૦૦થી વધુ કલાકારો દ્વારા ૧૭૭ પ્રીમિયર પ્રોડક્શન્સ અને ઇન્સ્ટોલેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને ચાર લાખથી વધુ કલા રસિકોની હાજરી સાથે આ આવૃત્તિએ સફળતાના નવા માપદંડ સ્થાપિત કર્યા હતા.
સમુદાયિકતા તથા સંસ્કૃતિની ભાવનાને ઉજાગર કરતી રચનાઓની પ્રસ્તુતિ સાથે આ પ્રોજેક્ટ અમદાવાદથી આગળ વધીને વડોદરા, રાજકોટ, સુરત અને ભુજ જેવા શહેરોના કલા રસિકોને પણ કલાનો એક સમૃદ્ધ અનુભવ પુરો પાડે છે.




