16 વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મિડિયાના વપરાશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં હવે 16 વર્ષથી નાની વયના લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ નહીં કરી શકે. PM એન્થની અલ્બનીઝે કહ્યું હતું કે યુવાઓના માનસિક સ્વાસ્થ્યની રક્ષા માટે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની વયનાં બાળકોને સોશિયલ મિડિયાનો વપરાશ નહીં કરવા દેવામાં આવે. એ સાથે સંબંધિત કંપનીઓએ નવા નિયમ લાગુ કરવાના રહેશે અથવા એમણે દંડ ભરવો પડે એવી શક્યતા છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં એ સંબંધિત વિધેયક રજૂ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા પર પ્રતિબંધ મૂકવા કવાયત હાથ ધરવામાં આવી છે. PM એન્થની અલ્બનીઝે કહ્યું હતું કે સરકાર એક નવો કાયદો બનાવી રહી છે, જે હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયાના ઉપયોગ પર પ્રતિબંધ હશે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આ નિયમ બાળકોનાં માતા-પિતા માટે લાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે સોશિયલ મિડિયા આપણાં બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેને રોકવાનો સમય આવી ગયો છે. વળી, સોશિયલ મિડિયા બાળકો પર પ્રતિકૂળ અસર પડી રહી છે, જેની અનેક રિસર્ચમાં પુષ્ટિ થઈ ચૂકી છે. આ કાયદો આ વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવશે અને ધારાશાસ્ત્રીઓ દ્વારા તેને બહાલી આપ્યાના 12 મહિના પછી અમલમાં આવશે. એન્થની અલ્બેનીઝે એ પણ ભાર મૂક્યો હતો કે જે વપરાશકર્તાઓ તેમનાં માતાપિતાની સંમતિ વિના સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા માગે છે તેમને આમ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં ફ્રાંસમાં પણ 15 વર્ષથી નાની વયનાં બાળકો માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની મંજૂરી લેવી જરૂરી છે.