ગુપ્ત રીતે દાન લીધું; ઓસ્ટ્રેલિયાના પ્રધાનનું રાજીનામું

કેનબેરાઃ પોતાના અંગત કેસની ફી ચૂકવવા માટે નાણાં ઊભાં કરવા એક ગુપ્ત સ્રોત તરફથી દાનની રકમ સ્વીકાર્યાની કબૂલાત કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના પ્રધાન ક્રિસ્ટિયન પોર્ટરે આજે રાજીનામું આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને એમનું રાજીનામું સ્વીકારી લીધું છે. મોરીસને કહ્યું કે પોર્ટરે તાત્કાલિક અસરથી એમના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. મોરીસને આ પ્રકરણમાં નિષ્ણાતો તરફથી સલાહ માગી હતી, પરંતુ પોર્ટરે રાજીનામું આપી દીધું છે.

પોર્ટરે પાંચ દિવસ પહેલાં જણાવ્યું હતું કે એક પત્રકાર સામેના માનહાનિને લગતા બંધ કરાયેલા એક કેસમાં પોતાની કાનૂની ફી ચૂકવવા માટે એમણે ‘લીગલ સર્વિસીસ ટ્રસ્ટ’ નામે ઓળખાતી નેત્રહીન વ્યક્તિઓ માટેના એક ટ્રસ્ટ તરફથી દાનની રકમ સ્વીકારી હતી. પોર્ટરે અગાઉ એટર્ની-જનરલ તરીકે સેવા બજાવી હતી.