કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે કરેલા પ્રયાસોને પ્રોત્સાહક બળ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાએ હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન રસીને સત્તાવાર રીતે માન્યતા આપી છે. તેથી ભારતમાંથી આ રસીના બંને ડોઝ લઈને આવનાર પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મળી શકશે. ઓસ્ટ્રેલિયન સરકારની થેરાપ્યુટિક ગૂડ્સ એડમિનિસ્ટ્રેશન સંસ્થાએ ભારત બાયોટેકની કોવેક્સિન અને ચીનની સિનોફાર્મની BBIBP-CorV રસીઓને માન્યતાપ્રાપ્ત રસીઓની યાદીમાં સામેલ કરી છે. ડેલ્ટા વેરિઅન્ટના કોરોનાનો ફેલાવો રોકવા માટે ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે દૂર કરી દીધો છે. 12 વર્ષથી વધુની વયનાં જે પ્રવાસીઓએ કોવેક્સિનના બંને ડોઝ લીધા હશે અને 18 વર્ષથી ઉપરની વયનાં જે લોકોએ ચીની રસી BBIBP-CorVના બંને ડોઝ લીધા હશે એમને હવેથી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા દેવામાં આવશે. આ સાથે, ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતની કોવિશીલ્ડ અને કોવેક્સિન તથા ચીનની કોરોનાવેક તથા BBIBP-CorV રસીઓને માન્યતા આપી દીધી છે.
ભારત બાયોટેક કંપનીએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV)ના સહયોગમાં કોવેક્સિન રસીનું ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીથી નિર્માણ કર્યું છે. કોવેક્સિનને મોરિશ્યસ, ઓમાન, ફિલિપીન્સ, નેપાળ, મેક્સિકો, ઈરાન, શ્રીલંકા, ગ્રીસ, એસ્ટોનિયા, ઝિમ્બાબ્વે દેશો માન્યતા આપી ચૂક્યા છે. આ રસીને જોકે હજી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી ઈમરજન્સી-ઉપયોગ માટેની માન્યતા મળવાની બાકી છે.