વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને જાહેરાત કરી છે કે અમેરિકામાં તમામ પુખ્ત વયની વ્યક્તિઓને 19 એપ્રિલ સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિબંધાત્મક રસી લેવા માટે પાત્ર બનાવી દેવામાં આવશે. પ્રમુખ બાઈડને ગઈ કાલે વર્જિનિયા રાજ્યના એલેકઝેન્ડ્રિયાના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ઉપર મુજબની જાહેરાત કરી હતી. આ પહેલાં એમણે 1-મેની ડેડલાઈન આપી હતી.
પોતે પ્રમુખ બન્યા એના પહેલા 75 દિવસમાં જ અમેરિકામાં 14 કરોડ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 100મા દિવસે આ આંકડો 20 કરોડ પર પહોંચાડવાનો એમનો લક્ષ્યાંક છે. એમણે અમેરિકાવાસીઓને અપીલ કરી છે કે રોગચાળાનો સામનો કરવા માટે તમામ સુરક્ષા પગલાં લેવાનું ચાલુ રાખે. આપણો દેશ હજી ‘ફિનિશ લાઈન’ પર આવ્યો નથી અને 4 જુલાઈ પહેલાં વધારે ‘રોગ અને મુસીબત’નો અનુભવ થાય એવું બની શકે છે.