ન્યુ-ઝીલેન્ડમાં ભારતથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

વેલિંગ્ટનઃ ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે ન્યુ ઝીલેન્ડે મોટો નિર્ણય કર્યો છે. ન્યુ ઝીલેન્ડે ભારતથી આવનારા લોકો પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યુ ઝીલેન્ડનાં વડા પ્રધાન જેસિન્ડા અર્ડને આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ એ લોકો પર પણ લાગુ છે, જે ન્યુ ઝીલેન્ડના નાગરિક છે અને કોઈ કારણે તેઓ હાલ ભારતમાં છે.

ન્યુ ઝીલેન્ડની સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતથી આવનારા લોકો પર 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી જારી રહેશે. આ દરમ્યાન સરકાર અન્ય પ્રકારો વિશે વિચારશે, જેનાથી પ્રવાસને ફરીથી બહાલ કરી શકાશે.

ન્યુ ઝીલેન્ડ આ પહેલાં પણ અન્ય દેશોના પેસેન્જરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી ચૂક્યો છે. ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેર જારી છે. છેલ્લા ચાર દિવસોમાંથી ત્રણ દિવસમાં ભારતમાં કોરોનાના એક દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં સવા લાખ નવા કેસ સામે આવ્યા છે.

ન્યુ ઝીલેન્ડ એક સમયે કોવિડ ફ્રી ઘોષિત થયો હતો. જોકે એ પછી અહીં થોડા કેસો આવ્યા હતા, પણ સ્થિતિ હંમેશાં કાબૂમાં રહી હતી. વળી, IPLમાં પણ ન્યુ ઝીલેન્ડના કેટલાક ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે.