નવી દિલ્હીઃ બજેટ સત્રના બીજા દિવસે સંસદમાં ઇકોનોમિક સર્વે 2025-26 રજૂ કરવામાં આવ્યો હતો. આ સર્વે ગયા નાણાકીય વર્ષની અર્થતંત્રનો સંપૂર્ણ હિસાબ આપે છે અને આવનારા બજેટ માટે સરકારની નીતિઓની દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે.
આ સર્વેમાં GDP વૃદ્ધિ, મોંઘવારી, રોજગાર, નિકાસ-આયાત, રોકાણ, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના પ્રદર્શન અંગે વિગતવાર અહેવાલ આપવામાં આવ્યો છે. એ સાથે સાથે પીએમ ગતિ શક્તિ, આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી સરકારની યોજનાઓના પ્રભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 25 વર્ષોમાં ભારતની પ્રતિ વ્યક્તિ આવક 20,000 ડોલર થશે. ભારતમાં આયાત વધશે. ભારતની 7.5 ટકાના આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવાની ક્ષમતા છે. આગામી વર્ષે મોંઘવારી કાબૂમાં રહેવાની શક્યતા છે, એમ CEAએ જણાવ્યું હતું.
આ સર્વેમાં જણાવાયું છે કે ડિજિટલ એડિક્શનને કારણે માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે અને ભારતમાં ઓબેસિટી ઝડપથી વધી રહી છે. ઓબેસિટી ભારતમાં ઝડપથી વિકસતી જાહેર સ્વાસ્થ્યની મોટી પડકારરૂપ સમસ્યા બની ગયો છે. સર્વે મુજબ બેઠાડુ જીવનશૈલી, ખરાબ ખોરાકની આદતો અને પર્યાવરણીય કારણો તેનાં મુખ્ય કારણો છે.
આર્થિક સર્વે 2025-26માં જણાવાયું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભારતની હેલ્થકેર સિસ્ટમને બદલી રહ્યું છે, પરંતુ ડિજિટલ લત અને જીવનશૈલી સંબંધિત બીમારીઓ દેશ માટે મોટી પડકારરૂપ બની રહી છે. સર્વે અનુસાર આશરે 30 ટકા લિસ્ટેડ CPSEsમાં સરકારની ભાગીદારી 60 ટકા કરતાં ઓછી છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે FDI વધારવા માટે પ્રો-એક્ટિવ સુધારાઓ જરૂરી છે.
FY26માં 4.4 ટકા નાણાકીય ખાધનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની દિશામાં આગળ
આર્થિક સર્વે FY25-26 મુજબ કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા સરકાર પોતાની આવક વધારી શકે છે. સર્વેમાં જણાવાયું છે કે FY26 માટેના નાણાકીય ખાધના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે અને 4.4 ટકા નાણાકીય ખાધનો લક્ષ્યાંક પ્રાપ્ત થવાની શક્યતા છે.


