અનેક રાજ્યોમાં પાંચ  દિવસ ભારે વરસાદ, કરાંની ચેતવણી

નવી દિલ્હીઃ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે નવ એપ્રિલ સુધી દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને કરાં પડે એવી શક્યતા છે. કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને આંદામાન-નિકોબાર દ્વીપોમાં વીજળી સાથે તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે) અને વરસાદ પડે એવી સંભાવના છે.

એપ્રિલના પ્રારંભથી જ તાપમાન વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે એક નવા પશ્ચિમી ડિસ્ટર્બન્સના સક્રિય થવાની આગાહી કરી છે. નવા પશ્ચિમી ડિસ્ટર્બન્સના સક્રિય થવાથી પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હી- NCRમાં પણ એની અસરે હળવા વરસાદની શક્યતા છે.

આ સાથે  ભારતના પૂર્વોત્તર ભાગોમાં જેમ કે આસામ, મેઘાલય અને નાગાલેન્ડ વગેરેમાં વરસાદ પડે એવી સંભાવના છે. આ ઉપરાંત બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ પવન સાથે વરસાદ વરસે એવી શક્યતા છે.

આ સાથે આસામ અને મેઘાલયમાં કરાંની સંભાવના છે, જ્યારે  બિહારમાં પણ કરાં પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારના રાજ્યોમાં -જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી સાથે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કરાં પડી શકે છે. લોકોના સલામતી માટે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.