આદરણીય લતાજીએ જ્યારે પહેલી જ વાર ગુજરાતીમાં પત્ર લખ્યો હતો

મુંબઈઃ મહાન ગાયિકા લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થતાં સમગ્ર દેશ શોકાતુર બની ગયો છે. કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. લતાજીનાં માનમાં રાષ્ટ્રધ્વજ બે દિવસ સુધી અડધી કાઠીએ ફરકાવાશે. લતાજીનાં પાર્થિવ શરીરનાં આજે સાંજે મુંબઈના શિવાજી પાર્ક વિસ્તાર સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.

મોદી જ્યારે 2019માં લોકસભાની ચૂંટણી જીતીને વડા પ્રધાન તરીકે બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે દેશવિદેશમાંથી એમની પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. એ વખતે લતા મંગેશકરે મોદીને લખેલો અભિનંદન પત્ર મોદી યાદગીરી બન્યો છે તેમજ એનું કાયમને માટે ઐતિહાસિક મહત્ત્વ પણ રહેશે. લતાજીએ મોદીને ગુજરાતી ભાષામાં પત્ર લખીને અભિનંદન આપ્યા હતા. એ પત્ર લતાજીએ મોદીજીના માતા હીરાબાને પત્ર મોકલ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે ભગવાન શ્રીરામની કૃપાથી આપના સુપુત્ર અને મારા ભાઈ નરેન્દ્રભાઈ મોદી ફરીવાર વડા પ્રધાન બનવા બદલ અનેક અનેક શુભકામના. લતાજીએ પત્રમાં હીરાબાને એમનાં અન્ય તમામ પરિવારજનો માટે પણ શુભકામના વ્યક્ત કરી હતી. લતાજીએ વધુમાં લખ્યું હતું કે હું આ પત્ર પહેલી જ વાર ગુજરાતીમાં લખું છું, કંઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરશો.

‘લિખિતંગ તમારી દીકરી’ એમ લખીને લતાજીએ પત્ર સમાપ્ત કર્યો હતો. આજે લતાજીનાં નિધનના દિવસે એ પત્ર ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.