શાહ આલમ દરગાહે 101 દીપ પ્રગટાવી રામમંદિરનો ઉત્સવ ઊજવ્યો

અમદાવાદઃ દેશના ઇતિહાસમાં એક સોનેરી અધ્યાય જોડાઈ ગયો છે. રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે. વડા પ્રધાન મોદીએ બધા ધાર્મિક અનુષ્ઠાનોને પૂરા કરીને પ્રાણ પ્રતિષ્ઠાનાં કાર્યને પૂરું કર્યું છે. અમદાવાદમાં શાહઆલમ દરગાહે દરગાહ પર 101 માટીના દીવા પ્રગટાવીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાવની ઉજવણી કરી છે. રામલલ્લાના આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના સાક્ષી દેશ અને વિશ્વના કરોડો લોકો બન્યા છે. શાસ્ત્રો મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયા પછી મૂર્તિમાં ભગવાન શ્રીરામ અવતરિત થઈ ગયા છે.

રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થયું હતું. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો. આ વિશેષ અવસરે આજે સાંજે 10 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે.

પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન દરમ્યાન વડા પ્રધાન મોદીએ રામલલ્લાની પૂજા-અર્ચના કરી છે. ત્યાર બાદ તેમણે રામલલ્લાને ચાંદીનું છત્ર સમર્પિત કર્યું છે. અયોધ્યામાં રામલલ્લાની પહેલા સંપૂર્ણ ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયા છે. રામલલ્લા પીતાંબર વસ્ત્રમાં સજ્જ છે. તેમના હાથમાં કોદંડ અને તીરકમાન છે.