અમદાવાદઃ દેશમાં 21 જૂનથી બધાને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, પણ આ ઝુંબેશનો રાજ્યમાં સાત દિવસમાં જ ફિયાસ્કો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ બંધ રહેશેનાં પાટિયાં લટકતાં જોવા મળ્યાં હતા. સુરતમાં રસીકરણમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે રાજકોટમાં 50 ટકા રસીકરણ કેન્દ્રો ઘટાડી દેવામાં આવ્યાં છે. અમદાવાદમાં પણ માંડ 20,000ને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યાં હોવાથી લોકોને રસી લેવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
રાજ્યમાં 30 જૂન સુધીમાં વેપારીઓ અને દુકાનદારોને રસી લેવી ફરજિયાત કરવામાં આવી છે. જોકે હાલ વેપારીઓ અને દુકાનદારો રસીકરણ કેન્દ્રો પર ધક્કા ખાઈ રહ્યા છે. મોટા ભાગનાં કેન્દ્રોમાં પર તાળાં લાગેલાં છે જેથી વેપારી અને દુકાનદારોમાં રસીને લઈને અસમંજતા જોવા મળી રહી છે.
રાજકોટમાં પણ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થવાથી રસીકરણ ઝુંબેશને બ્રેક લાગી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ 20,000 રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ તેની સામે છેલ્લા એક અઠવાડિયાથી 50 ટકાથી પણ ઓછું રસીકરણ થઈ રહ્યું છે.
વડોદરામાં પણ રસી ઉપલબ્ધ ન હોવાથી લોકોને કેન્દ્રોમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. શહેરમાં રવિવારે કોવિશીલ્ડ ન આવતાં કેન્દ્રો પર સવારથી બીજો ડોઝ લેવા પહોંચેલા અનેક લોકોએ પરત જવું પડ્યું હતું, જ્યારે રેલવે સ્ટેશન અને મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલા રસીકરણમાં કોવિશીલ્ડ ફાળવી હોવાથી કતારો જોવા મળી હતી.
રસીકરણ ઝુંબેશમાં 84 દિવસ ઉપર થઈ જતાં હેલ્થકેર, ફ્રન્ટલાઇન વર્કરો અને સિનિયર સિટિઝન્સને બીજો ડોઝ આપવાનો હતો, પરંતુ સરકાર દ્વારા રસી ઓછો સપ્લાય થઈ રહ્યો હોવાથી માંડ 13,153ને જ રસી મુકાઈ હતી.
