શહેરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત

અમદાવાદઃ શહેરમાં શિવરંજની પાસે મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. આ લોકો પર i20 કાર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં સંતુબહેનન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાં બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમમાં મોકલાયાં છે જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શિવરંજની પાસે બીમા નગર નજીક સોમવારે મોડી રાત્રે આશરે પોણા એક વાગ્યાની આસપાસ અકસ્માત બન્યો હતો, આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમ જ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટના બાદથી કારમાં સવાર લોકો ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ એન ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ફરાર લોકોની તપાસ હાથ ધરી છે.

આ હિટ એન્ડ રન કરનારી કાર સફેદ કલરની i20 છે અને તેનો નંબર GJ-01-RU-8964 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ નંબર પ્લેટના આધારે પણ આરોપીઓની તપાસ કરી રહી છે. સ્થાનિકો પ્રમાણે કારમાં સવાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેમ લાગતું હતું. આ બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં ચાર લોકો સવાર હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી હતી, જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.