જાપાનમાં ‘ઝેન’ છે એ ભારતમાં ‘ધ્યાન’ છે: મોદી

નવી દિલ્હી/અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ‘જાપાનીઝ ઝેન ગાર્ડન’ અને ‘કાઈઝેન એકેડેમી’ સંસ્થાનું આજે ઉદઘાટન કર્યું છે. આ બંને અહીં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં આવેલા છે. આ કાર્યક્રમનું આયોજન AMA અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે યોજાયેલા સમારંભનું ઈ-લોકાર્પણ વડા પ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, જાપાનમાં ઝેન છે એ ભારતમાં ધ્યાનની સ્થિતિ છે. ભગવાન બુદ્ધએ આ જ ધ્યાન, આ બુદ્ધત્વ સંસારને આપ્યું હતું. અને કાઈઝેનની સંકલ્પનાની વાત છે તો આ વર્તમાન સમયમાં આપણા ઈરાદાઓની દ્રઢતાને નિરંતર આગળ વધારવાની આપણી ઈચ્છાશક્તિનું પ્રતીક છે.

મોદીએ એમના સંબોધનમાં કહ્યું કે આજે ગુજરાતમાં એક કરતા વધુ જાપાની કંપનીઓ કાર્યરત છે. મને કહેવામાં આવ્યું છે કે તેમની સંખ્યા 135 કરતા વધારે છે. દરેક ક્ષેત્રની જાપાની કંપનીઓએ ગુજરાતમાં પોતાનો આધાર બનાવ્યો છે. આપણી પાસે સદીઓથી ચાલતા સાંસ્કૃતિક સંબંધોનો દ્રઢ વિશ્વાસ પણ છે અને ભવિષ્ય માટે એક સામાન્ય દ્રષ્ટિ પણ છે. આના જ આધારે, આપણે છેલ્લાં ઘણાં સમયથી જાપાન સાથેની આપણી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. આ માટે PMOમાં અમે ‘જાપાન-પ્લસ’ની વિશેષ વ્યવસ્થા પણ કરી છે. આપણે જાપાન સાથેની મિત્રતાને વધારે મજબૂત કરવાની છે.

ઝેન ગાર્ડન એક પ્રકારનું ડ્રાય ગાર્ડન કહેવાય છે, જેનું ઉદગમસ્થાન જાપાન છે. આની રચના બહુ જ આસાન છે. આ બે તત્ત્વની બનેલી હોય છેઃ રેતી અને પથ્થર. આ ગાર્ડનનો મુખ્ય હેતુ વ્યક્તિની આંતરિક પવિત્રતાને ઉત્તેજન આપવા અને માનસિક તાણને ઘટાડવાનો છે. 14મી અને 15મી સદીઓમાં જાપાનમાં ઝેન મંદિરોમાં સ્પેશિયલ એવા ઝેન ગાર્ડન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ઝેન બૌદ્ધત્વના ઉદય સાથે ઝેન ગાર્ડનની રચનાનો પણ ઉદય થયો હતો.