આલિયાએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂરું કર્યું

મુંબઈઃ આલિયા ભટ્ટે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આની જાણ તેણે પોતાનાં સોશિયલ મિડિયા પર કરી છે અને સાથે ફિલ્મના સેટ પરની તસવીરો પણ શેર કરી છે. એક તસવીરમાં એને ભણસાલી સાથે પોઝ આપતી જોઈ શકાય છે. શૂટિંગ દરમિયાનની પણ તસવીર એણે શેર કરી છે. એણે લખ્યું છે કે, ‘ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનું તેણે સપનું જોયું હતું અને તેનો અનુભવ મારે મન જિંદગીમાં તોતિંગ પરિવર્તન સમાન રહ્યો.’ આલિયાએ વધુમાં લખ્યું છે કે, ‘અમે 2019ની 8મી ડિસેમ્બરથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. બે વર્ષ બાદ તે સમાપ્ત કર્યું છે. આ ફિલ્મ અને સેટે બે કોરોના લોકડાઉન અને બે વાવાઝોડાના સંકટ જોયા. શૂટિંગ દરમિયાન જ ભણસાલી અને મને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી હતી. આજે શૂટિંગ પૂરું થયા બાદ સેટ પરથી એક અલગ જ વ્યક્તિ તરીકે વિદાય લઈ રહી છું એવું મને લાગી રહ્યું છે. આઈ લવ યૂ સર… તમારો આભાર. તમારા જેવું બીજું ખરેખર કોઈ નહીં. કોઈ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય તો એની સાથેનો તમારો ભાગ પણ પૂરો થાય. આજે મને મારો ભાગ… ગુમાવ્યાની લાગણી થાય છે. ગંગૂ, મને તારી ખોટ સાલશે.’

ઉલ્લેખનીય છે કે, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ મુંબઈમાં રેડલાઈટ વિસ્તાર તરીકે જાણીતા કામાઠીપુરા વિસ્તારમાં એક વેશ્યાગૃહની માલિકણ ગંગૂબાઈ કાઠિયાવાડીનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મ લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’નાં એક પ્રકરણ પર આધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]