‘સદાબહાર’-વેબસિરીઝ સાથે OTT-પ્લેટફોર્મ પર જયા બચ્ચનની પણ-એન્ટ્રી

મુંબઈઃ પીઢ બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચન પ્રસિદ્ધિથી દૂર રહેવાનું સામાન્ય રીતે પસંદ કરે છે. તેઓ ટૂંક સમયમાં જ ડિજિટલ માધ્યમ ઉપર ડેબ્યૂ કરવાનાં છે. એમનાં પતિ અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક તો ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી ચૂક્યા છે. અમિતાભે ગયા વર્ષે ‘ગુલાબો સિતાબો’ ફિલ્મની રિલીઝ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી હતી જ્યારે અભિષેક ‘બ્રીધઃ ઈનટુ ધ શેડોઝ’ વેબસિરીઝમાં ચમક્યો હતો. હવે અભિનેત્રી-નેતા જયા બચ્ચન ‘સદાબહાર’ વેબસિરીઝ સાથે ઓટીટી પર ડેબ્યૂ કરશે.

જયાએ ‘સદાબહાર’ વેબસિરીઝ માટે ગયા ફેબ્રુઆરીથી શૂટિંગ શરૂ કર્યું હતું. પરંતુ, કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેરે મહારાષ્ટ્ર રાજ્યમાં હાહાકાર મચાવતાં વેબસિરીઝનું શૂટિંગ એપ્રિલમાં અટકાવી દેવામાં આવ્યું હતું. હવે રાજ્યમાં લોકડાઉન નિયંત્રણો હળવા કરાતાં શૂટિંગ ફરી શરૂ કરાયું છે અને જયાએ એમાં ભાગ લેવાનું પણ ફરી શરૂ કર્યું છે. આ શૂટિંગ અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં સોની મોની સ્ટોર અને અપના બાઝાર સ્ટોર ખાતે કરાશે. મોટા પડદા પર જયા છેલ્લે 2016માં જોવા મળ્યાં હતાં. અર્જુન કપૂર અને કરીના કપૂરની ફિલ્મ ‘કી એન્ડ કા’માં એમણે મહેમાન કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. આમ, પાંચ વર્ષ પછી જયા સ્ક્રીન પર પાછાં ફર્યાં છે. જયાની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી ‘ગુડ્ડી’, જે 1971માં રિલીઝ થઈ હતી. આમ, વર્ષ 2021 ફિલ્મ ઉદ્યોગમાં કલાકાર તરીકે એમનું 50મું વર્ષ છે.