12-18 વર્ષનાંઓ માટે આવી-રહી છે ઝાઈડસ-કેડિલા રસી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાઈડસ કેડિલા દેશમાં 12-18 વર્ષની વયનાં લોકો માટેની કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવશે. તેની આ રસીની તબીબી અજમાયશ પૂરી થઈ ગઈ છે. સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે અમે આ વર્ષના ડિસેમ્બર સુધીમાં આખા દેશમાં તમામ નાગરિકોને કોરોના રસી આપવાનો ઈરાદો ધરાવીએ છીએ. દેશમાં 18 વર્ષ અને તેથી વધુની વયનાં આશરે 93-94 કરોડ લોકો છે. 18 વર્ષ સુધીની વયનાં તમામ લોકો – પછી એ ગરીબ હોય કે તવંગર હોય, દરેકને સરકાર તરફથી મફતમાં કોરોના-પ્રતિરોધક રસી આપવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં નોંધાવેલા 375-પાનાંના સોગંદનામામાં એ તમામ સવાલોના જવાબ આપ્યા છે જે સુપ્રીમ કોર્ટે તેના 31 મેના ઓર્ડરમાં ઉઠાવ્યા હતા. દેશમાં કોવિડ-19 રોગચાળા પ્રતિરોધક રસીકરણ સંચાલન વિશે સ્વયંપ્રેરિત (સુઓ મોટો) કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સવાલો કર્યા હતા.