10-12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુ.થી સ્કૂલો શરૂ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ધોરણ 10-12 ધોરણની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એવી રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે શાળામાં હાજરી ફરજિયાત નથી. શાળાઓએ કેન્દ્રની એસઓપીનું પાલન કરવું જરૂરી રહેશે. આ સાથે ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલુ રહેશે. વળી, રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે.

આ સાથે જ UG, PGના છેલ્લા વર્ષનું શિક્ષણકાર્ય પણ શરૂ થશે. શિક્ષણપ્રધાને માસ પ્રમોશન અંગે પણ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હાલ કોઇ વિચારણા નથી. જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો છે તેટલા અભ્યાસક્રમમાંથી પરીક્ષા લેવામાં આવશે.

ચુડાસમાએ જણાવ્યું કે આજની કેબિનેટની બેઠકમાં શાળા -કોલેજ ખોલવા મુદે ચર્ચા થઈ હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12, પીજી, યુજી છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે સ્વીકાર કર્યો છે, તેથી શાળામાં સાવચેતી અને આરોગ્યની સાવચેતી રાખવી પડશે.
તેમણે કહ્યું હતું કે બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે અને શાળામાં આવતા વિદ્યાર્થીને જવા માટે વાલીની સંમતિ લેવી પડશે. વિદ્યાર્થીની હાજરી શાળામાં ફરજિયાત નથી તેથી ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. વિદ્યાર્થી અને શિક્ષકોએ માસ્ક અને એસઓપીનું પાલન કરવું પડશે.