જુનાગઢમાં NSUIના શહેર પ્રમુખના અપરહણ કેસમાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અપરહણ કેસના મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે અટકાયત કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને દબોચ્યા હતા.
જુનાગઢમાં NSUIના શહેર પ્રમુખના અપરહણ કેસમાં ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. અગાઉ થોડા દિવસ પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરિતો પણ ધરપકડ કરવામાં આવી હતી. ગઈ કાલે ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી ગણેશ ફરાર હતો.
આ કેસમાં અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું છે આખો અપહરણ મામલો
જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફરિયાદ અને આરોપી વચ્ચે રસ્તા પર કાર વ્યવસ્થિત ચલાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીત મિત્રો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતું. ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરી જુનાગઢ આવ્યા અને ફરિયાદી સંજય સોલંકીને મારી નાંખવાના ઇરાદે કારથી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. જે બાદ આ લોકોએ લોખંડના પાઈપ જેવા હથિયારોથી સંજય સોલંકીને માર પણ માર્યો હતો. જે બાદ સંજય સોલંકીનું અપહરણ કરી દીધું હતું.