વાવાઝોડા ‘બિપરજોય’ને પગલે આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ભીષણ વાવાઝોડું બિપરજોય ગુજરાતના તટે ટકાવાની સંભાવના છે. ગુજરાત માટે જોખમમાં વધારો થયો છે. વાવાઝોડું સાંજે જખૌ પોર્ટના તટે ટકરાશે. એ સમયે પવનની ઝડપ 135થી 150 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. હાલ એ વાવઝોડું 180 કિમી દૂર છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સાંજે ચાર કલાકથી આઠ કલાક દરમ્યાન જોવા મળશે. આ વાવાઝોડા ‘બિપરજોય’ને પગલે આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના કચ્છથી અત્યાર સુધી 74,000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. નવ વિસ્તાર બંધ કરવામાં આવ્યા છે. હજારો લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. NDRFની 19 ટીમોને જ્યારે SDRFની 30 ટીમો તહેનાત કરવામાં આવી છે. BSF પણ આવનારા પડકારને પહોંચી વળવા માટે સજ્જ છે. આ વાવાઝોડું ગુજરાત થઇને રાજસ્થાન તરફ આગળ વધવાની વકી છે. પશ્ચિમ રેલવેએ 95 ટ્રેનો રદ કરી દીદી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે સ્કૂલો-કોલેજો બંધ રાખવામાં આવી છેં. આકાશવાણી પણ એનાં ટાવર દૂર કર્યા છે. હવામાન વિભાગના DGએમ મહાપાત્રાએ કહ્યું હતું કે વાવાઝોડું જખૌની પાસે પ્રચંડ ચક્રવાતી તોફાન બનીને તટે ટકરાવાનું પૂર્વાનુમાન કર્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ ગૃહ મંત્રાલયમાં જ હાજર રહીને વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખશે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ત્રણે સેનાપ્રમુખો સાથે વાત કરીને વાવાઝોડાથી નિપટવા સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ બિપરજોય સામે કચ્છમાં કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ વાવાઝોડાને પગલે સમીક્ષા બેઠક યોજી હતી.