વારાણસીમાં મોદીને પડકારનાર આ કલાકાર કોણ છે?

PM મોદીની નકલ કરનાર શ્યામ રંગીલા હવે કોમેડીને બદલે રાજનીતિ કરશે. આવું અમે નહીં પણ એ જાતે જ કહે છે. હકીકતમાં શ્યામ રંગીલાએ દાવો કર્યો છે કે તે કોમેડીમાં જે પ્રકારનું કામ કરવા માંગતો હતો તે કરી શક્યો નથી, માટે એ રાજકારણમાં આવવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, હવે એ પીએમ નરેન્દ્ર મોદીને પડકારશે. ત્યારે જાણીએ આ શ્યામ રંગીલા કોણ છે? અને કેમ રાજકારણમાં એન્ટ્રી લઈને સીધી પીએમ સાથે બાથ ભીડવા માંગે છે.

કોણ છે શ્યામ રંગીલા?

મૂળ રાજસ્થાનના હનુમાન ગઢનો રહેવાસી શ્યામ રંગીલા એક અચ્છો કોમેડિયન છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા પછી એના રસ પ્રમાણે એનિમેશનનો કોર્સ કર્યો. જો કે એની બાળપણથી જ ઈચ્છા હતી કે એ એક સારો કોમેડિયન બને. જેને સાચુ કરવા માટે એણે ધ ગ્રેટ ઈન્ડીયન લાફ્ટર ચેલેન્જમાં પણ ભાગ લીધો. આ શોમાં એને પ્રથમ વખત લોકો સમક્ષ નરેન્દ્ર મોદીની નકલ કરી જે લોકોએ ખૂબ વખાણી એમ પણ કહી શકાય કે એક કોમેડિયન તરીકે શ્યામને અસલી ઓળખ નરેન્દ્ર મોદીની મિમિક્રી દ્વારા જ મળી. પછી તો એને રાહુલ ગાંધીની પણ નકલ કરી. આમ એ ઘણા લોકોની નકલ કરતો. પણ એના ફેન તો નરેન્દ્ર મોદીની મીમીક્રી પર ફિદા થઈ ગયા. આ જ કારણ છે કે શ્યામ રંગીલાના ઈન્સ્ટાગ્રામ પર 130k કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

કેમ લેવા માંગે છે રાજકારણમાં પ્રવેશ

જ્યારે શ્યામ રંગીલાને રાજકારણમાં એન્ટ્રી લેવાનું કારણ પૂછવામાં આવ્યું તો એણે કહ્યું કે એ લોકશાહીને જીવંત રાખવા માંગે છે. આજકાલ કોણ ઉમેદવારીપત્રક પાછું ખેંચશે તે ખબર નથી, પરંતુ પરંતુ તેઓ મેદાનમાં અડગ રહેશે અને જનતાને સંદેશ આપશે કે ચૂંટણી થશે અને લોકો તેમને મત આપી શકે. જો કે આ આખી વાત શ્યામ રંગીલાની કોમેડિનો એક ભાગ છે કે પછી ખરેખર હકીકત છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.