રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસમાં ચૂંટણીપ્રચારનો શંખનાદ કરશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાના ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ પુરજોશમાં તૈયારી આરંભી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 12 જૂને ફરી એક વખત રાજ્યના પ્રવાસે આવવાના છે. તેઓ દક્ષિણ ઝોનના વાંસદામાં આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધશે અને રાજ્યમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકશે.

 

રાહુલ ગાંધી હાલમાં જ ઉત્તર ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવ્યા હતા અને આદિવાસી કાર્યક્રમમાં સામેલ થયા હતા. કોંગ્રેસે ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને ધ્યાનમાં રાખીને ચાર ઝોનમાં સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છનું સંમેલન પણ જૂનમાં જ યોજાવાનું છે અને તેનો કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ રહી છે.

રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું સમાપન કરાવવવા સાથે વાંસદાની ચારણવાડા ગામે એક જાહેર સભા પણ સંબોધશે. આ અગાઉ તેમણે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહની શરૂઆત કરાવી હતી.

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ઝીંક ઝીલવા માટે નવી યોજના બનાવી છે, જેના ભાગરૂપે કોંગ્રેસ આગામી સમયમાં શહેરી વિસ્તારમાં રામ કથા, હનુમાન ચાલીસા, સુંદર પાઠ, ગણેશ પૂજન, મહાદેવ આરતી અને નવરાત્રીનું આયોજન કરશે. શ્રાવણમાં મહાદેવ પૂજાનું આયોજન કરાશે. ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ સામૂહિક આયોજનો કરશે.

કોંગ્રેસ તમામ સમાજને સાથે લાવી ભારત જોડો અભિયાન કરશે. હિન્દુત્વ નામે ભાજપે લોકોને અલગ કર્યા અને અમે જોડવાનું કામ કરીશું. કોંગ્રેસ કાર્યકર્તા ઇદ મિલનના પણ જાય છે અને ગણેશ પૂજન તેમજ હનુમાન ચાલીસા પણ કરશે, એમ અમદાવાદ શહેર કોંગ્રેસપ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું.