મની લોન્ડરિંગ કેસમાં સોનિયા-રાહુલને EDનું સમન્સ

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ નેશનલ હેરાલ્ડ અખબારના એક કેસના સંદર્ભમાં કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને એમનાં સંસદસભ્ય પુત્ર રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે ઈડી એજન્સીએ આ કેસને 2015માં બંધ કરી દીધો હતો.

કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ એવો આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી રાજકીય હરીફોને ધમકાવવા માટે કઠપૂતળી તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે. 2015માં, ઈડી એજન્સીએ નેશનલ હેરાલ્ડ કેસને બંધ કરી દીધો હતો. પરંતુ ભાજપ સરકારને તે ગમ્યું નથી. એણે જૂના સંબંધિત અધિકારીઓને હટાવી દીધા છે અને એની જગ્યાએ નવા અધિકારીઓને નિયુકક્ત કર્યા છે અને કેસને ફરી ખોલ્યો છે. આ બધું મોંઘવારી તથા અન્ય સમસ્યાઓથી જનતાનું ધ્યાન બીજે ભટકાવવા માટે કરવામાં આવ્યું છે. નેશનલ હેરાલ્ડ કેસ એક ઈક્વિટી સોદામાં રૂ. 2,000 કરોડની સંપત્તિના કથિતપણે દુરુપયોગને લગતો છે. ઈડી એજન્સીએ ગયા એપ્રિલમાં આ કેસમાં મની લોન્ડરિંગના મુદ્દાની તપાસના સંબંધમાં કોંગ્રેસના નેતાઓ પવન બંસલ અને મલ્લિકાર્જુન ખાડગેની પૂછપરછ પણ કરી હતી.