અમદાવાદઃ રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગરના રાજભવનમાં બપોરે 1.30 કલાકે સંપન્ન થયો હતો. ભાજપે રાજ્યમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી છે. ભાજપનો નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. આ પહેલાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. નવા પ્રધાનમંડળની રચના અંગે ભાજપના મોવડીમંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રીય નેતાઓ તેમ જ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી. આ શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે. જેમા 10 કેબિનેટ કક્ષાના પ્રધાન અને પાંચ સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે રાખવામાં આવ્યા છે. પ્રધાનમંડળની રચના બાદ સાંજે 4:30 કલાકે પ્રધાનમંડળની પ્રથમ બેઠક મળશે. જેમા પ્રધાનોને ખાતાંઓની ફાળવણી કરવામાં આવશે.
પટેલના પ્રધાનમંડળમાં જે પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં 10 કેબિનેટપ્રધાનો છે, એમાં રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા, જિતુ વાઘાણી, ભાવનગર-પશ્ચિમ, ઋષિકેશ પટેલ, વીસનગર, પૂર્ણેશ મોદી, સુરત-પશ્ચિમ, રાઘવજી પટેલ, જામનગર-ગ્રામ્ય, કનુભાઇ દેસાઈ, પારડી, કિરીટસિંહ રાણા, લીંબડી, નરેશ પટેલ, ગણદેવી, પ્રદીપ પરમાર, અસારવા, અને અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદનો સમાવેશ થયો છે.
The first cabinet meeting of the Council of Ministers to be chaired by CM Shri @Bhupendrapbjp will take place at 4.30 pm today at Gandhinagar.
— CMO Gujarat (@CMOGuj) September 16, 2021
આ ઉપરાંત સ્વતંત્ર હવાલો સંભાળવા માટે પાંચ રાજ્ય કક્ષાના પ્રધાનો-હર્ષ સંઘવી, મજૂરા, જગદીશ પંચાલ, નિકોલ, બ્રિજેશ મેરજા, મોરબી, જિતુ ચૌધરી, કપરાડા, મનીષા વકીલ, વડોદરાનો સમાવેશ થાય છે.
આ સાથે નવ રાજ્ય કક્ષાના પ્રધાનોમાં -મુકેશ પટેલ, ઓલપાડ, નિમિષાબહેન સુથાર, મોરવા હડફ, અરવિંદ રૈયાણી, રાજકોટ, કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર, કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ, આર. સી. મકવાણા, મહુવા, વિનુ મોરડિયા, કતારગામ અને દેવા માલમ, કેશોદનો સમાવેશ થયો છે.
ભાજપે પટેલના પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના એક પણ પ્રધાનનો પ્રધાનમંડળમાં સમાવવામાં નથી આવ્યા.